ગંભીર@છોટાઉદેપુર: 2 વેપારીનુ કરોડોનું કૌભાંડ, તાપીની જેમ અહીં વોટર હાર્વેસ્ટિંગમાં લાલિયાવાડી

સરકારે 4 એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે
 
ગંભીર@છોટાઉદેપુર: 2 વેપારીનુ કરોડોનું કૌભાંડ, તાપીની જેમ અહીં વોટર હાર્વેસ્ટિંગમાં લાલિયાવાડી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


નર્મદા જિલ્લામાં 1.40 કરોડના કામની તાત્કાલિક તપાસ માટે મંત્રીએ હુકમ કર્યો છતાં હજુ નિર્ણય નથી અને હવે બે વેપારીની વધુ એક કૌભાંડી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. તાપી જિલ્લામાં ટ્રાયેબલની ગ્રાન્ટ હેઠળ વોટર હાર્વેસ્ટિંગમાં થયેલ ગંભીર કૌભાંડમાં 4 ઈજનેર સસ્પેન્ડ થયા છે. ત્યારે હવે બરાબર આ પ્રકારની કામગીરી છોટાઉદેપુર જિલ્લામાં પણ થઈ હતી. નાણાંકીય વર્ષ 2020-21 અને 2021-22 દરમ્યાન કરોડોની ગ્રાન્ટ વોટર હાર્વેસ્ટિંગમાં ખર્ચી પરંતુ કામગીરીમાં ભયંકર લાલિયાવાડી થઈ છે. જો અહીં ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો સસ્પેન્ડની વાત મૂકો, કરોડોની રિકવરી થાય તેમ છે. જાણીએ સમગ્ર અહેવાલ.


તાપી જિલ્લામાં ટ્રાયેબલની ગ્રાન્ટ હેઠળ ગત વર્ષોમાં થયેલી વોટર હાર્વેસ્ટિંગની કામગીરીમાં ચકચારી કૌભાંડ સામે આવતાં સરકારે 4 એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે. તો આ તરફ નર્મદા જિલ્લામાં કૌભાંડ માટે જાણીતા કાળુ ધોળુંની વેપારી જોડીએ ગેરરીતિ આચરી છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાયેબલની ગ્રાન્ટમાંથી વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરેલી છે. કોરોના કાળ પછીના 2 વર્ષમાં સરેરાશ 4 કરોડની વોટર હાર્વેસ્ટિંગની કામગીરીમાં મોટાપાયે બેદરકારી, લાલિયાવાડી, ક્ષતિઓ રાખી હતી. જો આ વેપારી જોડીના છોટાઉદેપુર જિલ્લામાં કરેલ સદર કામની ઉચ્ચકક્ષાએ તપાસ થાય તો અનેક કર્મચારી સસ્પેન્ડ થાય તો સાથે સાથે કરોડોની રિકવરી થાય તેમ છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આશ્રમશાળામાં વોટર હાર્વેસ્ટિંગની કામગીરીમાં અનેક જગ્યાએ કામગીરી કરી જ નથી, અનેક જગ્યાએ મોટાપ્રમાણમાં ક્ષતિઓ રાખેલી છે, અનેક જગ્યાએ જોગવાઈ મુજબની, ડીઝાઇન મુજબની કામગીરી કરી નથી. કાગળ ઉપર બધું બરાબર બતાવી તત્કાલીન અધિકારીએ તમામ પેમેન્ટ કરી એકબીજાનાં મેળાપીપણામાં સરકારી ગ્રાન્ટની લૂંટ કરી હતી. જાણકારોના મતે, તાપીમાં માત્ર લાખોનું કૌભાંડ ઝડપાયું છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં આંકડો કરોડોમાં છે ત્યારે અહીં તાત્કાલિક અસરથી તપાસ થાય તો કૌભાંડી કાળું ધોળું ઉપર મોટો ગાળિયો ભરાઇ શકે છે. આટલું જ નહિ, અન્ય કોઈ જિલ્લામાં પણ ભવિષ્યમાં આ વેપારી ટોળકી ટ્રાયેબલની કે અન્ય કોઈ ગ્રાન્ટમાં કૌભાંડ કરવાની હિંમત ના કરી શકે.