ગરબા@જૂનાગઢ: હાથમાં તલવાર, સફેદ પોશાક અને માથે પાઘડી'ને મણિયારો રાસની રમઝટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જૂનાગઢમાં લીરબાઈ રાજમંડળ અને ગૌશાળાનું મંડળ પ્રાચીન સંસ્કૃતિ અને ધરોહરને જીવંત રાખવાનું કાર્ય કરી રહી છે. ત્યારે ત્રીજા નોરતે લીરબાઈ પરામાં પરંપરાગત મણિયારો રાસની પણ રમઝટ જોવા મળી હતી. આ મંડળ અંદાજિત 1990થી કાર્યરત છે. જેમાં અનેક અગ્રણીઓ અને વડીલો શરૂઆતથી જોડાયેલા રહ્યા છે.
આ અંગે મણિયારો રમતા સમીર પરમારે જણાવ્યું હતું કે, આ ગૌશાળા અને મંડળીનો ઇતિહાસ ખૂબ જૂનો છે. આ મંડળી અંદાજિત 1990થી કાર્યરત છે, જ્યારે તેમનો જન્મ 1998માં થયો હતો અને તેઓ પોતે 2003થી આ મંડળી સાથે જોડાયેલા છે. હાલમાં તેમની મંડળીમાં અંદાજિત 32 જોડીઓ સભ્યો તરીકે જોડાયેલી છે. માલધારી અને ભરવાડ સમુદાય પરંપરાગત રમત 'મેર રાસ' છે. જ્યારે આ રાસમાં મેર મણિયારો, ઢાલ-તલવારનો રાસ અને કૃષ્ણ રાસનો સમાવેશ થાય છે. કૃષ્ણ રાસમાં કાંસ સાથે રમવામાં આવે છે, જ્યારે મણિયારો અથવા ઢાલ-તલવાર સાથે રમતી વખતે માલધારી યુવાનોમાં અનેક ઉત્સાહ અને જોશ જોવા મળે છે. રાસ રમતી વખતે જાણે તેઓ રણમેદાનમાં શૂરવીરની જેમ તલવારો લઈને ઉતર્યા હોય તેવી અદ્ભુત શૌર્યભાવના જોવા મળે છે.
સરમણભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આ ગરબી લીરબાઈ પરાની છે જ્યાં લીરબાઈ માના મંદિર અને ગૌશાળા બંને બાજુ બાજુમાં છે અને અત્યારે અંદાજિત 400 લોકો છે. અમારી લીરબાઈ રાજમંડળ અને ગૌશાળા તરફથી યુવાનોનું એક મંડળ ઊભું કરવામાં આવ્યું છે જેથી સંસ્કૃતિ જળવાઈ રહે અને ગૌશાળાનું સંચાલન થઈ શકે. નવરાત્રિમાં રાસ રમાય છે અને તેમાંથી જે કંઈ ભંડોળ કે પૈસા આવે છે, તેનો ઉપયોગ ગૌશાળા અને મંદિરના વિકાસ તેમજ સેવામાં જ કરવામાં આવે છે.
વધુમાં સરમણભાઈએ જણાવ્યું હતું કે અત્યારે પ્રાચીન ગરબીઓ ઓછી થતી જાય છે અને લોકો ડિસ્કો ડાંડીયા તરફ વળી રહ્યા છે. આ ગરબી નવદુર્ગાની છે અને દૈત્યોનો નાશ કરવા માટે તેમણે જે રૂપ લીધેલું તેના પ્રતીકરૂપે આ પરંપરા ચાલી આવે છે. મહેર જ્ઞાતિની આ પરંપરાગત ગરબી અને ડાંડીયા રાજમંડળી કૃષ્ણ ભગવાનના વખતથી ચાલી આવે છે. અમારી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા માટે મહેર સમાજનો યુવાન હંમેશાં પાઘડી અને પરંપરાગત પોશાક ધારણ કરે છે, કારણ કે મહેરનો દીકરો ક્યારેય ઉઘાડે માથે કે ટોપી વગર ન હોઈ શકે. આ અમારી વર્ષો જૂની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરા છે.

