ઘટસ્ફોટ@લીમખેડા: તાલુકામાં એક જ ચાલે- સ્ટોનબંડ ચાલે, લાભાર્થીઓની પસંદ કે એજન્સીની?

 આ સ્ટોનબંડનો ઘટસ્ફોટ જાણીએ.
 
 
ઘટસ્ફોટ@લીમખેડા: તાલુકામાં એક જ ચાલે- સ્ટોનબંડ ચાલે, લાભાર્થીઓની પસંદ કે એજન્સીની?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


લીમખેડા તાલુકામાં કૃષિ અને પશુપાલન છે છતાં કેટલાક અંશે અહીંથી અન્ય જિલ્લાઓમાં રોજગારી અર્થે લોકો જતાં હોય છે. આથી મનરેગામાં રોજગારીના નેજા હેઠળ એજન્સી અને તંત્રએ ફાઈલો માટે મોટો રસ્તો શોધી લીધો છે. રોજગારીનો માત્ર આધાર લેવાનો અને તેના થકી મટીરીયલ એજન્સીના બેફામ બીલો અપલોડ કરવાની મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે. અહીંના લાભાર્થીઓને શું સ્ટોનબંડ જ જોઈએ છે? ગામેગામ સ્ટોનબંડ સિવાય ખાસ કોઈ કામો નથી. તાલુકા, જિલ્લા પંચાયત અને સીઆરડીને સમર્પિત આ સ્ટોનબંડનો ઘટસ્ફોટ જાણીએ.

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રાજકીય સૂત્રની જેમ મનરેગાના કામમાં પણ સૂત્ર બન્યું છે. "લીમખેડા તાલુકાના ગામોમાં એક જ ચાલે, સ્ટોનબંડ ચાલે", હકીકતમાં આ તાલુકાના ગામેગામ મનરેગાના 200થી વધુ કામમાંથી સ્ટોનબંડ ઉપર જોર અપાઇ રહ્યું છે. સીસીરોડ, કેટલસેડ જેવા કામો ગણ્યાગાંઠ્યા જોવા મળે, બાકી એક જ ચાલે અને તે છે સ્ટોનબંડ. મનરેગા યોજના વ્યક્તિગત અને સામૂહિક વિકાસના કામો થકી રોજગારી માટે છે. તો અહીં સવાલ થાય છે કે, લીમખેડા તાલુકાના લોકોને સ્ટોનબંડ પસંદ છે કે મળતિયાઓ ઈરાદાપૂર્વક સ્ટોનબંડ કરી રહ્યા છે? ઉંડાણમાં જઇને તપાસો તો ખબર પડે છે કે, મટીરીયલ એજન્સીને કરોડોનો ધંધો કરાવવા ઈરાદાપૂર્વક સ્ટોનબંડ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે અગાઉના ઇન્ચાર્જ ટીડીઓ પરમારને પૂછતાં જણાવ્યું કે, અમે હવે સ્ટોનબંડ બંધ કરીને પ્લાન્ટેશન વધારી રહ્યા છીએ. આ બાબતે ઇન્ચાર્જ ટીડીઓ જુઠ બોલ્યા હોવાનો ઘટસ્ફોટ પણ થઈ ગયો. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું, છેલ્લા 3 વર્ષથી લગાતાર અને આજેપણ મનરેગા હેઠળ સ્ટોનબંડ જ લેવામાં આવી રહ્યા છે. જ્યારે ઇન્ચાર્જ ટીડીઓ પરમારને સવાલ કર્યો અને જેટલા સમય ટીડીઓની જવાબદારી રહી ત્યારે પણ સ્ટોનબંડ બેરોકટોક રહ્યા તેમજ અનેક સ્ટોનબંડ ગ્રાઉન્ડ ઉપર ના હોવાની મૌખિક રજૂઆતો સામે તપાસ પણ ના કરી. સ્થાનિક જાણકારોના મતે, અન્ય તાલુકાની જેમ લીમખેડા તાલુકાના લાભાર્થીઓ મનરેગામાં ફાઇલો માટે રસ ધરાવતા નથી એટલે એજન્સી અને મનરેગાના વહીવટદારો મનસ્વી રીતે સ્ટોનબંડની હારમાળા સર્જી રહ્યા છે. આથી એવી પણ આશંકા વ્યક્ત થાય છે કે, ફાઇલ ઉપરના અને ઓનલાઇન પૂર્ણ કરેલા તમામ સ્ટોનબંડ શું જમીન ઉપર છે કે કેમ? આવી સ્થિતિમાં હવે આગામી ન્યૂઝ રિપોર્ટમાં આપણે ગામદીઠ લાભાર્થીઓની યાદી મુજબ સ્ટોનબંડ છે અને છે તો ગુણવત્તા મુજબ છે કે કેમ તેના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું.