ખુશખબરી@રાજકોટ: પશુપાલકો માટે ખુશખબર!ડેરીએ વધાર્યો દૂધનો ભાવ!
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી) દ્વારા મોંઘા ઘાસચારા અને પશુઆહારના વધતા ખર્ચ વચ્ચે આગામી 1 ડિસેમ્બર, 2026થી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹20નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
*ઘાસચારાની અછત વચ્ચે પશુપાલકોને આર્થિક મદદ કરવા નિયામક મંડળનો નિર્ણય*
રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે પાણીની અછત અને ઘાસચારાના વધતા ખર્ચ વચ્ચે દિવાળી બાદ વધુ એક બોનસ રૂપે દૂધ ઉત્પાદકોને આર્થિક ટેકો મળી રહે તેવા ઉદ્દેશ્યથી પ્રતિ કિલો ફેટના ભાવ ₹870થી વધારીને ₹890 કરવાનું નક્કી કરાયું છે.
*50 હજારથી વધુ દૂધ ઉત્પાદકોને થશે સીધો આર્થિક ફાયદો: અધ્યક્ષ*
રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, "હાલની પરિસ્થિતિમાં ઘાસચારાની અછત અને પશુઆહારના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાના ઉદ્દેશ્યથી સંઘના નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે ₹20નો ભાવ વધારો કર્યો છે. અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ ₹870 ચૂકવવામાં આવી રહ્યો છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી તા. 01-12-2026થી દૂધ સંઘ દ્વારા દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે ₹890 ચૂકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ ₹885 ચૂકવશે. આ ભાવ વધારાથી દૂધ સંઘ સાથે જોડાયેલા 50,000થી વધુ દૂધ ઉત્પાદકોને સીધો આર્થિક ફાયદો થશે.

