ઘટના@સુઈગામ: ગુજ્જુભાઇ વિશેનો આ રીપોર્ટ વાંચી તમારા રુંવાડા ઉભા થઇ જશે, જવલ્લે હોય
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સુઈગામ પંથકનો એ નિખાલસ માણસ જેની ચર્ચાએ સોશ્યલ મીડિયા જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં પડઘો પડ્યો છે. વિવિધ સમાચાર માધ્યમોમાં, સોશિયલ મીડિયામાં વિડિયો થકી અને માણસો થકી પણ વિવિધ વાતો ગુજ્જુભાઈની આવી છે. જોકે આ તમામની વચ્ચે 2 સૌથી અગત્યની વાત અને તેનાથી તમને આ રીપોર્ટ વાંચી પ્રેરણા તો મળશે પરંતુ આ સમયમાં આવી જીંદગી પણ જીવવાનો અનોખો આનંદ હોય તેની જાણકારી પણ મળશે. કેમ કે ગુજ્જુભાઈ માત્ર મનોરંજન આપતાં હતા અને તક મળે કે ના મળે પરંતુ સેવા પણ એટલી જ કરતાં તેટલી વાત નથી. કન્ટેન્ટ ક્રિએટર ગુજ્જુભાઈનો વ્યવસાય બની ગયો હતો અને તેનાથી જ લોકચાહના મળી છતાં આ માણસે તેનો ઉપયોગ નાણાં રળવા કરતાં અસલ જીંદગીને જ મનોરંજનમાં લાવી દીધી હતી. અહિં સુઈગામના ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુભાઈ વિશે જે જાણવા મળશે તે કળિયુગની પરાકાષ્ઠા છતાં માણસે નિખાલસતાને છોડી નહિ તેનો આ સ્પેશ્યલ રીપોર્ટ છે.
સુઈગામના ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરૂનું ભરયુવાનીમાં દુઃખદ અવસાન થતાં સમગ્ર ચાહક આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. હવે સૌપ્રથમ વાત કરીએ ઘટનાની, તેમાં મળતી વિગતો મુજબ ગુજ્જુભાઈ ટુ વ્હીલર બાઇક ઉપર જતાં ત્યારે માર્ગ ઉપર અન્ય એક બાઇક સાથે અકસ્માત થતાં પટકાઈ ગયા અને પછી મોતને ભેટ્યા હતા. આ દરમ્યાન સામેના બાઇક ચાલક સહિતના ઘટનાસ્થળેથી સારવાર અર્થે યા તો અન્યત્ર નિકળી ગયા હતા. આ પછી જાણકારી મળતાં ગુજ્જુભાઈને તાત્કાલિક દવાખાને ખસેડાતાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. આ દુઃખદ ઘટના બાદ સમગ્ર સોશ્યલ મીડિયામાં ગુજ્જુભાઈ વિશે દુઃખ વ્યક્ત થતાં ઢગલાબંધ કન્ટેન્ટ આવ્યા હતા. આટલી બધી લોકચાહના કેમ અને હકીકતમાં ગુજ્જુભાઈ કેવા હતા એ જાણવું પણ ખૂબ રસપ્રદ છે.
કન્ટેન્ટ ક્રિએટર એટલે કે વિડીયો બનાવવાની દુનિયામાં એકવાર તમે પ્રવેશ કરો અને ધીમે ધીમે લોકચાહના તેમજ ફોલોઅર્સ મિલીયનમા પહોંચે પછી કોઈપણ કન્ટેન્ટ ક્રિએટર સ્વાભાવિક તેને વ્યવસાયની રીતે જુએ અને તે મુજબ કરે છે. હવે આ ગુજ્જુભાઈ કન્ટેન્ટ ક્રિએટરની આ દુનિયાથી તદ્દન અલગ હતા, કેમ કે જાણકારોના મતે, ગુજ્જુભાઈ એટલે કે ચંદન રાઠોડ હકીકતમાં સ્વભાવે, જીવન જીવવાની પધ્ધતિએ અને વાતોની શૈલીમાં જે પ્રકારે હતા તે મુજબ વિડિયો બનાવી મનોરંજન તો આપતાં સાથે જીવનને નિખાલસથી જીવતાં હતા. કન્ટેન્ટ ક્રિએટરની દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવું હશે કે, જેણે ખૂબ લોકચાહના અને ફોલોઅર્સ મળ્યા પછી ધંધાકીય નાણાં પાછળ મગજ ના લગાવ્યું હોય પરંતુ ગુજ્જુભાઈ અલગ હતા. ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુભાઈ લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટરની દુનિયામાં છતાંય જાહેરાતો નહિ, પૈસા માટે પ્રસાર પ્રચાર નહિ તેમજ વિડિયોને એકમાત્ર નાણાંનું સાધન બનાવ્યું નહોતું. ગુજ્જુભાઈના લાગતાવળગતા મિત્રોના મતે, નિખાલસતાથી જીવન જીવવું અને પોતે નિર્દોષ જીવન જીવતા તે નિર્દોષતાને વિડિયો થકી રજૂ કરતા રહ્યા. વાંચો નીચેના ફકરામાં.
ગુજ્જુભાઈ કદાચ કન્ટેન્ટ ક્રિએટરની દુનિયામાં એવા વ્યક્તિ હશે કે,જેણે ખૂબ મોટી લોકચાહના છતાં ભભકો, ઠઠારો કે દેખાડો કરવાને જરાક મહત્વ નથી આપ્યું. આટલુ જ નહિ, સતત દસેક વર્ષથી કન્ટેન્ટ ક્રિએટરની દુનિયામાં છતાં ગુજ્જુભાઈએ મોંઘીદાટ ગાડીઓ બદલવી, લક્ઝુરિયસ શોખ કે રોલા પાડવાથી દૂર રહ્યા છે. નજીકના લોકો ત્યાં સુધી કહે છે કે, આ ગુજ્જુભાઈને ધનપતિ થવાનો કે નાણાં રળવાનો શોખ નહોતો પરંતુ જે પ્રકારે નિખાલસ સ્વભાવ અને મજાકીય વર્તન હતું તે મુજબ જીવન જીવી તે અસલી જીંદગીને વિડિયો થકી નિર્દોષતાથી રજૂ કરતાં રહ્યાં હતા. સોશ્યલ મીડિયામાં સતત વિડિયો બનાવતાં અને લાખો ફોલોઅર્સ ધરાવતાં અનેક જાણીતા ચહેરાઓ વચ્ચે ગુજ્જુભાઈ એવા વ્યક્તિ રહ્યા કે જેને કોમેડી પણ નિખાલસ અને અસલી સ્ટાઈલમાં રજૂ કરી હોય.

