ગુનો@અમદાવાદ: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના બંગલામાં ફરી એક વખત તસ્કરો ત્રાટક્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બંગલોમાં ચારેક માસ પહેલા તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ તારની વાડ તોડી બંગલામાં પ્રવેશી ઘરઘાટી જે રૂમમાં હતો તે રૂમનો દરવાજો બંધ કરી ઘરમાંથી 20.80 લાખની ચોરી કરી હતી. ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આ જ બંગલામાં ફરી એક વખત તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે.પહેલા તસ્કરો 20 લાખ અને હવે 8 લાખની ચોરી કરી ફરાર થતાં બોડકદેવ પોલીસે તપાસ હાથ ધરી છે.
મૂળ ખંભાતના અને હાલ સોલા સાયન્સ સિટી રોડ પરના સોલીટેર બંગલોમાં પુલીનભાઇ પુરોહિત રહે છે. તેઓ મેમનગર ખાતે ઓફિસ ધરાવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ કરે છે. રવિવારે આખો પરિવાર સૂઇ ગયા બાદ સવારે ઉઠ્યો ત્યારે ઘરવખરીનો સામાન બહાર બગીચામાં પડ્યો હતો. જેથી તેમણે શંકા જતા ઘરમાં તપાસ કરતા રસોડાનો દરવાજો તૂટેલો હતો. ઘરમાં ચોરી થયાની શંકાના આધારે તપાસ કરતા તસ્કરો કમ્પાઉન્ડ વોલ કૂદીને ઘરમાં આવીને કુલ આઠ લાખની મતા ચોરી ગયા હતા. આ મામલે તેમણે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂન માસમાં પણ આ જ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરીને 20.80 લાખની મતા ચોરી કરી હતી. તે બનાવમાં હજુ આરોપીઓ સુધી પોલીસ પહોંચી નથી ત્યાં વધુ એક બનાવ બનતા પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઊભા થયા છે.