ગુનો@હળવદ: મામલતદાર ઓફીસ નજીક 2 પક્ષો વચ્ચે બબાલ થતા બંદૂક તાકી ફાયરિંગનો પ્રયાસ કર્યો

તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો થતાં બે લોકો ઇજાગ્રસ્ત 
 
ગુનો@હળવદ: મામલતદાર ઓફીસ નજીક 2 પક્ષો વચ્ચે બબાલ થતા બંદૂક તાકી ફાયરિંગનો પ્રયાસ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજકાલ લોકો સામાન્ય બાબતે ઝગડી પડતા હોય છે. લોકો એકબીજા પર જીવલેણ હુમલાઓ કરતા હોય છે. મામલતદાર ઓફીસ નજીક બે પક્ષો વચ્ચે બબાલ થયાની ઘટના સામે આવી છે. જ્યાં હળવદ મામલતદાર ઓફીસ નજીક મુદત પૂર્ણ કરીને બહાર નીકળેલા બે લોકો ઉપર ૩થી ૪ જેટલા શખ્સોએ હીંચકારો હુમલો કર્યો હતો. અને ધોળે દિવસે બંદૂક તાકી ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફાયરિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ બનાવમાં તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો થતાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા હળવદ પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી.

સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં હળવદ પોલીસ ઇન્ચાર્જ પી.આઇ. દિપક ઢોલએ જણાવ્યું હતું કે, આ ઘટનાની પ્રાથમિક વિગતો અનુસાર આજે હળવદ મામલતદાર ઓફીસ નજીક દેવળીયા ગામના બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં બે લોકો કોર્ટમાંથી મુદત પૂર્ણ કરી પોતાના બાઈક પર સવાર થઈને બહાર નીકળતા હતા એ વખતે ત્યાં કાર ધસી આવી હતી. કારમાંથી ત્રણથી ચાર જેટલા શકશો બહાર નીકળ્યા હતા અને પ્રાણઘાતક હથિયારો સાથે બંને લોકો ઉપર તૂટી પડ્યા હતા. આ અથડામણમાં બંધુક તાકી ફાયરિંગનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને આ સંપૂર્ણ માથાકૂટમાં તીક્ષ્‍ણ હથિયાર વડે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને સંપૂર્ણ સ્થિતિ કાબુમાં છે તેવું તેમણે જણાવ્યું હતું.

હળવદ મામલતદાર ઓફીસ નજીક કોર્ટની મુદતેથી પરત ફરી રહેલા બે વ્યક્તિ પર હુમલો થતા પંથકમાં ચકચાર મચી હતી હાલ પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવાયો છે જોકે આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી અને વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરી હતી.