ગુનો@આણંદ: મકાનનું તાળું તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ 1.22 લાખના મુદ્દામાલ ચોરી તસ્કરો છુમંતર

 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં

 
ગુનો@આણંદ: મકાનનું તાળું તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ 1.22 લાખના મુદ્દામાલ ચોરી તસ્કરો છુમંતર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોરીના ગુના ખુબજ વધી  ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીની ઘટના સામે આવતી હોય છે.  આણંદના ગામડીમાં એક બંધ મકાનનું તાળું તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા 1.22 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો છુમંતર થઈ ગયાં છે. આ અંગે આણંદ ટાઉન પોલીસે અજાણ્યાં તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છના મુળ વતની અને છેલ્લાં કેટલાક સમયથી આણંદના ગામડી ખાતે બળીયાદેવ મંદિર પાસે નગરીમાં રહેતાં 34 વર્ષીય ઇશ્વરભાઇ નરભેરામભાઇ દવે વિદ્યાનગર ખાતે મોબાઈલની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગત તારીખ 27 મી ના રોજ પોતાનું મકાન લોક કરી, પરિવાર સાથે વતન ગયાં હતાં. દરમિયાન તેમના તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળું તોડ્યું હતું અને ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગેની જાણ થતાં ઈશ્વરભાઈ તુરંત જ ગામડી સ્થિત પોતાના ઘરે દોડી આવ્યાં હતાં.

તે વખતે ઘરના મુખ્ય દરવાજા આગળની લોખંડની જાળીનો નકુચો તુટેલી હાલતમા હતો અને ઘરમાં અંદર સરસામાન વેરવિખેર હાલતમાં હતો. ઈશ્વરભાઈએ ઘરમાં અંદર પ્રવેશીને જોયું તો, બેઠકરૂમમાં લોખંડની તીજોરીનો દરવાજો અને તેની અંદરનું લોકર તુટેલ હતું અને આ લોકરની અંદર મુકેલ સોનાની એક તોલાની બુટ્ટી કિંમત રૂપિયા 30 હજાર, એક નાની સોનાની બુટ્ટી કિમત રૂપિયા 10 હજાર, બાળકનો સોનાનો ઓમ કિંમત રૂપિયા 10 હજાર, સોનાનુ નાકનુ દાણ કિંમત રૂપિયા 2 હજાર, ચાંદીના મોટા છડા કિંમત રૂપિયા 15 હજાર, પાંચ જોડી નાના છોકરાના હાથપગના કડલા કિંમત રૂપિયા 8 હજાર તેમજ રોકડા રૂપિયા 47 હજાર મળીને કુલ રૂપિયા 1.22 લાખનો મુદ્દામાલ ગાયબ હતો. આ અંગે મકાનમાલિક ઈશ્વરભાઈ દવે એ આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે અજાણ્યાં તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.