ગુનો@રાજકોટ: સ્પીકરનું વોલ્યુમ ઓછું કરવા મુદ્દે માથાકૂટ થતા બે શખ્સોએ ત્રણ લોકોને માર મારી છરી વડે ઈજા પહોચાડી

માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાઈ 
 
ગુનો@રાજકોટ: સ્પીકરનું વોલ્યુમ ઓછું કરવા મુદ્દે માથાકૂટ થતા બે શખ્સોએ  ત્રણ લોકોને માર મારી છરી વડે ઈજા પહોચાડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગરબા દરમિયાન સ્પીકરનું વોલ્યુમ ઓછું કરવા મુદ્દે માથાકૂટ થતા બે શખ્સોએ પતિ પત્ની સહિત ત્રણ લોકોને માર મારી છરી વડે ઈજા પહોચાડી હોવાની ફરિયાદ રાજકોટ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં ફરિયાદી સુનીલભાઇ મુળજીભાઇ બગડાએ આરોપી વિશાલ પરષોતમભાઈ પરમાર અને દિવ્યેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે સુનિલભાઈ રાજકોટ શહેરના નાના મવા મેઇન રોડ ખાતે આવેલા દાસી જીવણપરા શેરી નં. ૩ વિસ્તારમાં રહે છે. અને છેલ્લા ૩૦ વર્ષથી પોતાની શેરીમાં નવરાત્રિનું આયોજન કરે છે આ વર્ષે પણ તેમણે જ સમગ્ર આયોજન કર્યું હતું.

તા- ૨૪ ના રોજ રાત્રીના સમયે નવરાત્રી ચાલુ હતી અને છોકરીઓ રાસ-ગરબા રમતી હતી ત્યારે ૧૧:૩૦ વાગ્યે શેરીમા રહેતો આરોપી વિશાલ પરષોતમભાઈ પરમાર આ રાસ -ગરબા મા વચ્ચે આવી ને ગરબા રમવા લાગ્યો હતો જેથી સુનિલભાઈએ તુરંત સ્પીકર નું વોલ્યુમ ઓછો કરી નાખ્યું હતું અને રાસ ગરબા રમતી દીકરીઓ દૂર જતી રહી હતી. આ મામલે આરોપી વિશાલે સુનિલભાઈ ને બેફામ ગાળો આપી હતી અને સુનિલભાઈને માર મારવા જતા સ્થાનિકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને બંનેને છોડાવ્યા હતા.

એ બાદ સુનિલભાઈ પોતાના ભત્રીજા હિરેન બગડા સાથે ઉભા હતા એ સમયે આરોપી વિશાલ તેના પિતરાઈ ભાઈ દિવ્યેશ પરમાર સાથે છરી લઈને આવ્યો હતો અને હિરેનને છાતી પાસે તથા જમણા પગના સાથળ પાસે મારી છરીના ઘા ઝીકયા હતા. આરોપી દિવ્યેશ પરમારે હિરેની પત્ની સાધનાને તેના હાથ વડે માથા ઉપર માર્યો હતો. એ સમયે સુનિલભાઈના બીજા ભત્રીજા વહુ પુષ્પાબેન બગડા વચ્ચે પડતા બંને આરોપીઓએ તેમને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો અને ઇજાગ્રસ્ત કર્યા હતા. આ મામલે સુનિલભાઈએ ૧૦૦ નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી હતી અને સમગ્ર મામલે બંને આરોપીઓ વિરુદ્ધ માલવીયાનગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાઇ છે.