ગુનો@સુરત: પિતા-પુત્રને સામાન્ય બાબતે આરોપીએ ચપ્પુના ઘા ઝીંકી દેતા 1નું મોત

ગેસ સિલિન્ડર પરત લેવા જતા ઝઘડો થયો
 
ગુનો@સુરત: પિતા-પુત્રને સામાન્ય બાબતે આરોપીએ ચપ્પુના ઘા ઝીંકી દેતા 1નું મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. લોકો સામાન્ય બાબતે ઝગડીને એકબીજાને જાનથી મારી નાખતા હોય છે.  સુરતના કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં ગેસ સિલિન્ડરને લઈને થયેલા ઝઘડામાં પિતા-પુત્રને ચપ્પુના ઘા ઝીંકી દેવાયા હતા. જેમાં પુત્રનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં બે આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા હતા. ઘટના બાદ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ટીમ મોકલીને તપાસ શરૂ કરી હતી.


સુરતના કડોદરા સ્થિત શ્રીનિવાસ ગ્રીનસિટી સોસાયટી પાસે રાકેશભાઈ ગુણવંતભાઈ મોદી પુત્ર પ્રતિક સાથે કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. તેઓએ નજીકમાં રહેતા હરેશ લોખંડેને ગેસનો બાટલો થોડા દિવસ વાપરવા માટે આપ્યો હતો. જેમાં ગત 30 મેના રોજ સવારના સમયે બાટલો પરત માગતા હરેશ ઉર્ફે લોખંડે, સાગર ઉર્ફે કાળુ તથા સિદ્ધાંત ઉર્ફે બાબુરામે પિતા-પુત્ર સાથે ઝઘડો કર્યો હતો. જેમાં પિતા-પુત્રને ચપ્પુના ઘા ઝીંકી દેવાયા હતા. આ બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રતિકનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો


આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી બે આરોપી હરીશ ઉર્ફે લોખંડે સંતોષભાઈ પાનપાટીલ અને સાગર ઉર્ફે કાલુ સંતોષભાઈ પાનપાટીલને ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી હરીશ ઉર્ફે લોખંડે અગાઉ કડોદરા પોલીસ મથકમાં હત્યાની કોશિશના ગુનામાં પકડાય ચૂક્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીઓનો કબજો કડોદરા જીઆઈડીસી પોલીસને સોંપ્યો હતો.