હેરાનગતિ@પાટણ: વન્ય રોજમદારો 2 મહીનાથી પગારથી વંચિત, તહેવાર પહેલાં પગાર નહિ થાય તો મોટો નિર્ણય

વન્ય શ્રમયોગીઓને સમયસર પગાર નથી મળતો
 
હેરાનગતિ@પાટણ: વન્ય રોજમદારો 2 મહીનાથી પગારથી વંચિત, તહેવાર પહેલાં પગાર નહિ થાય તો મોટો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ


પાટણ જિલ્લા વનવિભાગમાં શું બધું બરાબર અને પારદર્શક ચાલે છે? આ સવાલની શૃંખલાના આ પ્રથમ સમાચારમાં વન્ય શ્રમયોગીઓને થતી પરેશાનીનો રીપોર્ટ સામે આવ્યો છે. છેલ્લા 2 મહિનથી કાયદેસરના પગારથી વંચિત રોજમદારોએ આખરે તાત્કાલિક બેઠક બોલાવી હતી. હારીજ ખાતે મળેલી આજની બેઠકમાં પડતર પ્રશ્નો સાથે સમયસર પગાર નહિ થતો હોવાનું દર્દ સૌના ચહેરા ઉપર દેખાઇ આવ્યું હતુ. આથી પાટણ જિલ્લા વન્ય શ્રમયોગી સંઘે બેઠકના અંતે ડીસીએફ સહિતનાને પત્ર લખી ચિમકી આપવાનું નક્કી કર્યું છે, જેમાં તહેવાર પહેલાં પગાર નહિ થાય તો હડતાળ સહિતના કાર્યક્રમોની તૈયારી કરી છે. હવે સૌથી મોટો સવાલ થાય કે, ગ્રાન્ટ નથી એટલે પગાર નથી થતો કે, પછી ઈરાદાપૂર્વક વિલંબ કરવામાં આવે છે? જાણીએ સમગ્ર અહેવાલ.

હેરાનગતિ@પાટણ: વન્ય રોજમદારો 2 મહીનાથી પગારથી વંચિત, તહેવાર પહેલાં પગાર નહિ થાય તો મોટો નિર્ણય


પાટણ જિલ્લા વનવિભાગ હેઠળ રોજમદારોની સેવા ગ્રાઉન્ડ ઉપર હોવાથી ખૂબ મહત્વની મનાય છે. રોપાના વાવેતરથી માંડીને ઉછેર અને જાળવણી સહિતના કામોમાં વન્ય શ્રમયોગીઓનો શ્રમ મહત્વનો ગણાય છે. જોકે પાટણ જિલ્લાના સરેરાશ 76 રોજમદારો 2 મહીનાથી પગાર વિના ફરજ બજાવી રહ્યા હોવાનું અને પગાર વિના પડતી મુશ્કેલીને લઈ આજે ભેગાં થયા હતા. હારીજ ખાતે મળેલી આજની બેઠકમાં સામે આવ્યું કે, વન્ય શ્રમયોગીઓ સમયસર પગાર માટે ટળવળી રહ્યા અને વારંવારની રજૂઆતો છતાં પરિણામ મળતું નથી. આથી શ્રમયોગી સંઘના આગેવાનોએ પાટણ ડીસીએફ સહિતનાને પત્ર લખવાનું નક્કી કર્યું અને તેમાં તહેવાર પહેલાં પગાર કરવા અને જો રજૂઆત મુજબ ન્યાય નહિ મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી રાખી છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે, વન્ય શ્રમયોગીઓને સમયસર પગાર નથી મળતો એ ગંભીર પ્રશ્ન છે પરંતુ આ સાથે એક મુદ્દો એવો છે જે સીધો સરકારને અસરકારક અને ચોંકાવનારો પણ છે. વન્ય શ્રમયોગીઓ એટલે કે રોજમદારોને ફરજ સિવાયના અન્ય કામો પણ કરવા પડે છે. આ અન્ય કામો માટે બીજા વ્યક્તિઓ અલગથી હોવા છતાં ફરજ બજાવવી પડતી હોવાથી મામલો કંઈક વધારે શંકાસ્પદ બની ગયો છે. આથી આગામી દિવસે પાટણ જિલ્લા વનવિભાગના વહીવટની શ્રૃંખલામાં સ્પેશિયલ રિપોર્ટમાં તેની વિગતો જાણીશું.