આરોગ્ય@શરીર: વધુ પડતાં ધૂમ્રપાન-વજનને કારણે 27 વર્ષના યુવકને આવી નપુંસકતા,જાણો વધુ વિગતે

 રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ધુમ્રપાનમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે
 
આરોગ્ય@શરીર: વધુ પડતાં ધૂમ્રપાન-વજનને કારણે  27 વર્ષના યુવકને આવી નપુંસકતા,જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા તમાકુથી દૂર રહેવા માટે ગળું ફાડી ફાડીને અપીલ કરવામાં આવી છતાં લોકોમાં તેની કોઈ જ પ્રકારની અસર થઈ રહી ન હોય તેમ તમાકુનું સેવન અને ધુમ્રપાન થવાનું ઓછું થઈ રહ્યું નથી ત્યારે રાજકોટમાં જ રહેતાં એક 27 વર્ષના યુવકને વધુ પડતાં ધુમ્રપાન અને વજનને કારણે નપુસંક્તા આવી જતાં વાત છેક છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી.જો કે યુવકની સમયસર 'પેનાઈલ ઈમ્પ્લાન્ટ' નામની સર્જરી કરવામાં આવી અને તે સફળ રહેતાં બધું સમુસુતરું પાર પડી ગયું હતું.
તાજેતરમાં જ વૉકહાર્ટ હોસ્પિટલમાં એક 27 વર્ષીય યુવક નપુસંક્તાની સમસ્યા સાથે ડૉ.નયન ટીંબડીયા પાસે સારવાર માટે આવ્યો હતો. યુવકની તપાસ કરવામાં આવતાં તેને નપુસંક્તા આવવાનું કારણ વધુ પડતું ધુમ્રપાન કરવાની ટેવ અને વધુ પડતું વજન હતું. દર્દીએ જણાવ્યું કે નપુસંક્તાને કારણે તેના છૂટાછેડા થવાની શક્યતા હતી. ભૂતકાળમાં આ યુવકે અન્ય જગ્યાએથી પણ ઘણી દવાઓનો ઉપયોગ તેમજ સારવાર લીધી હતી પરંતુ તે કારગત નિવડી ન્હોતી તેથી દર્દીને પેનાઈલ ઈમ્પ્લાન્ટ માટે સમજ આપવામાં આવી હતી.
આ અંગે ડૉ.નયન ટીંબડીયા જણાવે છે કે મોટાભાગના પુરુષોમાં નપુસંક્તાની સારવાર દવાઓ અને ઈશ્જેક્શનથી કરી શકાય છે પરંતુ આ સારવારથી દર્દીને ફરક ન પડે તો પછી પેનાઈલ ઈમ્પ્લાન્ટ કરી જાતિય સંબંધો સુધારી શકાય છે જે એક સચોટ ઉપાય છે. પેનાઈલ ઈમ્પ્લાન્ટ એ એક નપુસંક્તા માટેની મેડિકલ સારવાર છે જેમાં એક સીલીકોન ટ્યુબના કારણે પૂરતા પ્રમાણમાં ઉત્થાન થાય છે. આ સીલીકોન ઈમ્પ્લાન્ટમાં જો ઈન્ફેક્શન ન થાય તો લાંબા સમય સુધી કાર્યરત રહી શકે છે.

આ એક ટૂંકા સમયમાં પરિણામ આપતી સારવાર છે અને સર્જરીના એક અઠવાડિયા બાદ મોટાભાગના પુરુષો પોતાની સામાન્ય પ્રવૃત્તિઓ કરી શકે છે તેમજ છ સપ્તાહ બાદ જાતિય સંબંધ બાંધી શકે છે. જે પુરુષોને નપુસંક્તાના કારણે જાતિય સંબંધ બાંધવામાં મુશ્કેલીઓ પડતી હોય અને તેના કારણે વાત છૂટાછેડા સુધી પહોંચતી હોય તેવા દર્દીઓ માટષ આ સારવાર વરદાનરૂપ છે. ડૉ.નયન ટીંબડીયાએ નપુસંક્તાથી બચવા માટે એવો ઉપાય પણ સુચવ્યો કે લોકોએ ધુમ્રપાન-આલ્કોહોલ સેવન તેમજ તમાકુના બંધાણથી દૂર રહેવું જોઈએ સાથે સાથે શરીરનું વજન જાળવી રાખવું જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને ખાનપાન ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો નપુસંક્તાથી બચી શકાય છે.