આરોગ્ય@શરીર: શિયાળામાં શરદી-ઉધરસ અને તાવથી બચાવશે આ ખાટું ફળ, જાણો ખાવાના ફાયદા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળાની ઋતુમાં સંતરા ખાવાથી ઇમ્યુનિટીને મજબૂત બનાવી શકાય છે. હેલ્થલાઇનના રિપોર્ટ મુજબ, સંતરામાં વિટામિન C, પોટેશિયમ, કોલાઇન, વિટામિન A, ફાઇબર, ફોલિક એસિડ, વિટામિન B સહિત ઘણા પાવરફુલ એન્ટીઑકિસડન્ટ હોય છે. આ ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે અને બીમારીઓથી બચવામાં મદદ કરે છે. તેનાથી શરદી, ઉધરસ અને તાવનું જોખમ ઘટી શકે છે. સંતરામાં એન્ટિવાયરલ અને એન્ટિસેપ્ટિક ગુણ પણ જોવા મળે છે.
સંતરા મગજ માટે વરદાન ગણી શકાય. ડચ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકો અઠવાડિયામાં ચારથી આઠ ગ્લાસ સંતરાનો રસ પીવે છે તેઓમાં સ્ટ્રોકનું જોખમ 24% ઘટી શકે છે. અઠવાડિયામાં ત્રણ વખત એક ગ્લાસ સંતરાનો રસ પીવાથી પણ સ્ટ્રોકનું જોખમ 20% ઓછું થઈ શકે છે. આ સિવાય સંતરામાં જોવા મળતા ફ્લેવોનોઈડ્સ યાદશક્તિ વધારે છે અને અલ્ઝાઈમરનું જોખમ ઘટાડી શકે છે.
સંતરા ખાવાથી તમારી આંખો લાંબી ઉંમર સુધી સ્વસ્થ રહી શકે છે. સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે આંખોની રોશની ઓછી થવા લાગે છે, પરંતુ સારા ખાન-પાનથીઆ કંડીશનને અટકાવી શકાય છે. સંતરા ખાવાથી આંખની હેલ્થ સુધારી શકાય છે. જો સંતરાને ડાયેટમાં સામેલ કરવામાં આવે તો મેક્યુલર ડિજનરેશન નામની કંડીશનથી બચી શકાય છે. મેક્યુલર ડિજનરેશનને કારણે આંખોની રોશની ઓછી થવા લાગે છે અને અંધત્વની સમસ્યા થઈ શકે છે.
વિટામિન સીની ભરપૂર માત્રાને કારણે સંતરાને સ્કિન માટે રામબાણ પણ ગણી શકાય. તે આપણી સ્કિનને યંગ રાખવામાં મદદરૂપ થઈ શકે છે. ખરેખર, વિટામિન સી કોલેજનના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે ઘાને સાજા કરવા અને સ્કિનને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. 2007માં પ્રકાશિત થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે લોકો વિટામિન સીથી ભરપૂર ખાદ્ય પદાર્થ ખાય છે તેમની ત્વચા પર કરચલીઓ ઓછી જોવા મળે છે. સંતરા સ્કિનને યંગ અને ગ્લોઇંગ રાખવામાં ફાયદાકારક છે.
હાર્ટની હેલ્થ જાળવવામાં સંતરા ચમત્કારિક સાબિત થઈ શકે છે. ઘણી સ્ટડી દર્શાવે છે કે સંતરાનો રસ પીવાથી હાઈ બ્લડ પ્રેશર અને વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ મળે છે. તે હાર્ટ ડિસીઝનું જોખમ ઘટાડે છે અને હાર્ટને હેલ્ધી અને મજબૂત બનાવે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સંતરાના રસનું લાંબા સમય સુધી સેવન કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે, જ્યારે ગુડ કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો થાય છે.
સુચના: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.