વરસાદ@અમદાવાદ: ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાઓ પર પાણી ભરાયા, સ્કૂલવાન બંધ પડતાં બાળકોએ ધક્કા માર્યા

સ્કૂલવાન બંધ બાળકોએ ધક્કા માર્યા

 
વરસાદ@અમદાવાદ: ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાઓ પર પાણી ભરાયા, સ્કૂલવાન બંધ પડતાં બાળકોએ ધક્કા માર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાઓ પર પૂરની સ્થિતિ ઉભી થઇ છે.  રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં બપોરે 12:30 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર દોઢ કલાકમાં શહેરમાં સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેમ્કો અને સૈજપુરમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કાંકરિયા, મણિનગર, જશોદાનગર, નરોડા, ઓઢવ, દૂધેશ્વર, શાહપુર, દરિયાપુર, અમરાઇવાડીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં સ્કૂલવાન બંધ પડી ગઇ હતી. આથી વિદ્યાર્થીઓએ પાણીમાં ઊતરી વાનને ધક્કો મારવો પડ્યો હતો. અસારવામાં ઘૂંટણસમાં પાણી ભરાતા બેથી ત્રણ એએમટીએસ બસ બંધ પડી હતી. તેમજ અસારવામાં એક અને ચામુંડા બ્રિજ પાસે એક એમ બે એમ્બ્યુલન્સ થોડીવાર માટે ફસાઇ હતી.

શહેરના વિરાટનગર, રખિયાલ, પાલડી, વાસણા, જમાલપુર, આશ્રમરોડ, લાલ દરવાજા, આસ્ટોડિયા, ખાડિયા સહિતના વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં ગોતા, સાયન્સ સિટી, જોધપુર, શિવરંજની, સેટેલાઈટ, આનંદનગર, પ્રહલાદનગર, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદમાં પૂર્વ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એક ઇંચ વરસાદમાં પણ રોડ પર પાણીનો ઝડપી નિકાલ થવાની જગ્યાએ પાણીનો ભરાવો થયો છે.


ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડિવાઇડર પર નાનાં વૃક્ષ પડી ગયાં હતાં. પ્રીતમનગરમાં પણ પાણી ભરાયાં હતાં.


સૈજપુર અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોને વરસાદી પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. દર વર્ષે માત્ર એક ઇંચ વરસાદમાં સૈજપુર અંડરબ્રિજ પાણીથી ભરાય જાય છે. છતાં પણ ત્યાં વરસાદી પાણીનો નિકાલ ઝડપી થાય તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.


શહેરના એરપોર્ટથી લઈ ઇન્દિરા બ્રિજ સુધી કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે માત્ર એક ઇંચ વરસાદમાં જ પાણી પાણી થઈ ગયો છે. આઇકોનિક રોડ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ત્યાં પાણી ભરાયાં છે.


ભારે વરસાદથી શહેરના મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાવવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. નરોડામાં નવયુગ ચાર રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાતાં વાહનચાલકો પરેશાન થયા છે. તેમજ નરોડાના દહેગામ રોડ પર પણ પાણી ભરાયાં છે.