હડકંપ@દેવગઢબારીયા: ગામમાં ભ્રષ્ટાચારનું સ્ટેટ્સ ચડાવો તો ધમકીના ફોન આવે, નરેગા કૌભાંડી ટોળકી?

જાણીએ સમગ્ર અહેવાલ.
 
હડકંપ@દેવગઢબારીયા: ગામમાં ભ્રષ્ટાચારનું સ્ટેટ્સ ચડાવો તો ધમકીના ફોન આવે, નરેગા કૌભાંડી ટોળકી?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

દેવગઢબારિયા તાલુકાના નાડાતોડ ગામમાં લાખો કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાની ગામના જાગૃત નાગરિકે અરજી આપેલી છે. અરજી પછી માથાકૂટ થઇ, તપાસ ટીમ આવી, મામલો પોલીસ મથકે પણ ગયો હતો. આ સમગ્ર ઘટનાક્રમના સમાચાર માધ્યમોમાં અહેવાલો થયા ત્યારે કોઈ વ્યક્તિએ ભ્રષ્ટાચારનું સ્ટેટ્સ જાણ્યે અજાણ્યે વોટ્સએપમાં મૂક્યું હતુ. આ સ્ટેટ્સ જોઈને કૌભાંડી ટોળકીના કોઈ ઈસમે સીધો જ ધમકીનો ફોન કરી સ્ટેટ્સ મૂકનારનો રીતસર વારો લઈ લીધો. ત્યાં સુધી કે તને ઘેર લેવા આવું છું, સ્ટેટ્સ ડીલીટ કરી દે. હવે અહીં સવાલ થાય છે કે, મનરેગા હેઠળ ગામમાં અસંખ્ય કામો સરકારના ચોપડે બોલે પરંતુ ગામમાં અનેક કામો નથી તેવી ફરિયાદ બાદ કેમ કૌભાંડી ટોળકીને મરચાં લાગે છે? જો ગામમાં તમામ કામો નિયમોનુસાર થયા હોય તો તટસ્થ તપાસમાં મદદ કરો ને. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના નાડાતોડ ગામમાં સત્તાધીશો એટલા બધા તાકાતવર છે કે, તમે કલ્પના પણ ના કરી શકો. ગામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરો તો તમને દાદાગીરી જેવો કડવો અનુભવ લેવો પડે. મેહુલ પટેલ નામના જાગૃત નાગરિકે મનરેગાની ફરિયાદ કરી તો હાથાપાઈ થઈ, આ પછી કથિત ભ્રષ્ટાચારના સમાચાર વાયરલ થતાં ગામના કોઈ વ્યક્તિએ વોટ્સએપમાં સ્ટેટ્સ મૂક્યું ત્યારે તમે ચોંકી જાઓ તેવી સ્થિતિ બની. વોટ્સએપમાં સ્ટેટ્સ મૂકનારને કૌભાંડી ટોળકીના કોઈ ઓવર જાગૃત અને પોતાને ખૂબ હોશિયાર સમજતાં ઈસમે કાયદો હાથમાં લેવાની કોશિશ કરી. ""વોટ્સએપમાં તેં સ્ટેટ્સ મૂક્યું છે તો તને ઘેર લેવા આવું? માપમાં થઈ જશે અડ્ડા, તારે કામો જોવા છે ? તું સ્ટેટ્સ ડીલીટ કરી દે, તારા સ્ટેટ્સનો સ્ક્રીનશોટ મેં લીધો છે"" આવું બોલીને ધમકાવી દીધો. વાંચો નીચેના ફકરામાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્ટેટ્સ મૂકનાર વ્યક્તિ કહે છે કે, મેં સ્ટેટ્સ મૂક્યું નથી અને મારે કોઇ કામો જોવા નથી છતાં કૌભાંડી ટોળકીનો ઈસમ ઘેર લેવા આવું, તારા બાપાને મોકલ, ડીલીટ કરી દે અને ધમકી આપતાં શબ્દો બોલી ડરાવનાનો ગેરકાનૂની પ્રયત્ન કર્યો હતો. આવી સ્થિતિમાં જો તમે દેવગઢબારિયા તાલુકાના નાડાતોડ ગામમાં રહો છો તો તમારે ભ્રષ્ટાચારની અરજી કરવી હોય, ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો હોય, ગામના હિતમાં કે સરકારના હિતમાં તપાસ કરાવવી હોય અથવા ભ્રષ્ટાચારના સ્ટેટ્સ ચડાવવા હોય તો મેહુલ પટેલ અને હસમુખભાઈ નામના વ્યક્તિનો અનુભવ લેવો પડે તેવી હાલત બની છે. હવે નાડાતોડ ગામમાં ભ્રષ્ટાચારની તટસ્થ તપાસથી કોને તકલીફ છે તે પણ જાણીએ. વાંચો નીચેના ફકરામાં.

સૌથી પહેલાં જાણીએ મનરેગાની કામગીરી કોના હેઠળ થાય.


નાડાતોડ ગ્રામ પંચાયતનો ઠરાવ થાય, આ ઠરાવ સરપંચ, તલાટી કરે


આ તરફ દેવગઢબારિયા તાલુકા પંચાયતની મનરેગા ટીમ એસ્ટીમેન્ટ, ટેકનિકલ, લેબર, મટીરીયલની વ્યવસ્થા કરી કામ શરૂ કરાવે અને પછી બીલ મૂકે, પેમેન્ટ કરે
આ કામગીરી ટીડીઓ, એપીઓ, ટેકનિકલ, જીઆરએસ સહિતનાઓ કરે


હવે અહીં સવાલ થાય કે, નાડાતોડ ગામમાં મનરેગાના કામોની તપાસથી સ્ટાફને તકલીફ છે ? કદાચ નહિ હોય.

તો શું નાડાતોડ ગ્રામ પંચાયતને મનરેગાના કામોમાં તપાસની કોઈ તકલીફ હશે ? કદાચ ના હોય.
તો પછી એવી કઈ કૌભાંડી ટોળકી છે જે મનરેગાના કામોમાં તપાસને અથવા ભ્રષ્ટાચાર વિરુદ્ધના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે? આ ટોળકી તાલુકાથી ગામ સુધીના સત્તાધીશો આસપાસની હોવાનું ગામમાં ચર્ચાઈ રહ્યું છે.