ઈમ્પેક્ટ@તાપી: 1.87 કરોડના શાળા અપગ્રેડના કામની તપાસ શરૂ, અમલીકરણને હાજર થવા ફરમાન
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
અટલ સમાચાર ડોટ કોમ દ્વારા તાપી જિલ્લાની પાંચ સેકન્ડરી શાળાને અપગ્રેડ કરવાની વહીવટી મંજૂરી અને ત્યાર પછીના ઘટનાક્રમ મામલે રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેની જાણ થયા બાદ અધિક નિવાસી કલેક્ટરે તાત્કાલિક અસરથી જિલ્લા આયોજન અધિકારી પાસેથી સમગ્ર હકીકત જાણી છે. અધિક કલેક્ટરે વિગતો મેળવ્યા બાદ અમલીકરણ એજન્સીના માણસને તેડાવી પ્રગતિ જાણવા સુચના આપી છે. આ પછી વહીવટી મંજૂરી પાછળના કારણો, વાપ્કોસ સાથે પત્રવ્યવહારની પધ્ધતિ, પ્રેઝન્ટેશનમાં પૂર્તતાનો અભાવ સહિતના મુદ્દાઓ પણ તપાસ માંગતાં હોઈ અધિક કલેક્ટર જણાવ્યું કે, વાપ્કોસના પ્રતિનિધિને રૂબરૂ બોલાવવા સુચના આપી છે. આ પછી આયોજન અધિકારીએ પણ અમલીને બોલાવવામાં આવ્યા હોવાનું કહ્યું હતુ.
તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓની કુલ 5 માધ્યમિક શાળાને અપગ્રેડ કરવા આપેલી વહીવટ મંજૂરી અને આજની સ્થિતિ વિશેના અટલ રીપોર્ટ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 1.87 કરોડથી વધુની રકમ સામે કામગીરીમાં લાલિયાવાડી થઈ છતાં આયોજન અધિકારીએ ખાસ કોઈ કાર્યવાહી કરી નથી. આથી અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ વાંચી, જોઈ તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટરે તાત્કાલિક અસરથી આયોજન અધિકારીને સુચના આપી છે. વહીવટી મંજૂરી શંકાસ્પદ, મેઈલ આઈડી શંકાસ્પદ, કામગીરી શંકાસ્પદ, કોમ્યુનિકેશનમાં પણ પારદર્શકતા શંકાસ્પદ, પેમેન્ટની સ્થિતિ સહિતની બાબતો અત્યંત ગંભીર સવાલો કરતી હોઈ તાત્કાલિક અસરથી પ્રથમ હુકમ અમલીકરણ હાજર થાઓ તેવો થયો છે. આયોજન અધિકારીએ કેટલીક વિગતો અધિક કલેક્ટરને આપતાં કહ્યું કે, કામગીરી અપૂર્ણ છે તે સત્ય છે આથી અમલીકરણ એવા વાપ્કોસના માણસને રૂબરૂ બોલાવીએ છીએ. વાંચો નીચેના ફકરામાં કેટલો ગંભીર વિષય છે અને કેમ તાત્કાલિક તપાસ જરૂરી છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં માધ્યમિક શાળાને અપગ્રેડ કરવાના કામો વિકાસશીલ અને ડીએમએફ હેઠળ થયા છે ત્યારે બધી જ જગ્યાએ અમલીકરણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હોય છે. હવે તાપી જિલ્લામાં કેવી રીતે માલસામાન પૂરૂં પાડવાનું કામ વાપ્કોસને આપ્યું તે સૌથી મોટો સવાલ છે. આ બાબતે બચાવ કરતાં આયોજન અધિકારી પટેલે જણાવ્યું કે, "બાંધકામ સંબંધિત સાથે માલસામાન છે અને વહીવટી મારા વખતની નથી, ચૂકવણું નાણાંકીય વર્ષ દરમ્યાન કરવું પડે પરંતુ કામમાં વિલંબ હોઈ રૂબરૂ બોલાવી પુછપરછ કરીશું". ભલે આયોજન અધિકારી પટેલ સરકારી ભાષા બોલે પરંતુ વહીવટી મંજૂરી અનેક ગંભીર સવાલો ઉભા કરે છે ત્યારે કામોમાં બેદરકારીનો પ્રશ્ન બીજા નંબરે છે પરંતુ કેવા સંજોગોમાં અને કેમ વાપ્કોસને સદર વહીવટી મંજૂરી અપાઇ તે સૌથી મોટો સવાલ છે.
આ રહ્યા ગંભીર સવાલો
વાપ્કોસ બિલ્ડીંગ સંબંધિત કામો કરે છે પરંતુ ઈલેક્ટ્રોનિક સહિતના માલ સપ્લાયના કામો કરતું નથી તેવું ખુદ વાપ્કોસના ગુજરાતના માણસો કહે છે.
વાપ્કોસને વહીવટી મંજૂરી આપી, ચૂકવણું કરી દીધું છતાં આયોજન કચેરી પાસે વાપ્કોસ શું કરશે કે શું કર્યું તેનું પ્રેઝન્ટેશન નથી.
તાપી જિલ્લામાં વાપ્કોસની ક્યાંય ઓફિસ નથી પરંતુ ઈજનેરો હોય છે ત્યારે આયોજન કચેરી વાપ્કોસને મેઈલ મારફતે સુચના આપે છે.
આ મેઈલ આઈડી ભલે વાપ્કોસની હોય પરંતુ આવી મેઈલ આઈડી કોઈપણ બનાવી શકે તેવી એટલે કે પાછળના શબ્દો વાપ્કોસ ડોટ કોમ ને બદલે જીમેલ ડોટ કોમ છે.
બે વર્ષનો સમય વીતી ગયો અને કામગીરીમાં ઠેકાણું નથી છતાં આયોજન કચેરીએ કોઈ કાર્યવાહી કરી નથી માત્ર સુચના આપી સંતોષ માન્યો છે.
કામગીરીમાં ભયંકર હદે લાલિયાવાડી થઈ અને ખૂબ વિલંબ છે ત્યારે સરકારે ગ્રાન્ટ આપી છતાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને લાભ નહિ મળ્યો તેના જવાબદારો કોણ ?