છેતરપિંડી@જુનાગઢ: લગ્નની ઘેલછામાં વધુ એક યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લગ્નની ઘેલછામાં વધુ એક યુવક બન્યો છે લૂંટેરી દુલ્હનનો શિકાર. વાત છે જૂનાગઢની કે જ્યાં યુવકને અન્ય રાજ્યની યુવતી સાથે લગ્ન કરવા ભારે પડી ગયા… યુવતી અને તેના સાથીદારોએ યુવક પાસેથી લગ્નના નામે 1.50 લાખ ખંખેરી લીધા.જૂનાગઢમાં પેટ્રોલ પંપ પર નોકરી કરતા વિજય થાનકીને સહકર્મચારી સલીમે આરોપી દલાલ સિરાજ ફકીર સાથે ઓળખાણ કરાવી.
જે બાદ દલાલ સિરાજે ઔરંગાબાદની ઝરીના નામની મહિલા સાથે વિજયનો કોન્ટેક્ટ કરાવી તેને વિવિધ જગ્યાએ યુવતી બતાવવામાં આવી. આખરે પૂજા નામની યુવતી પસંદ આવતા વિજય અને પૂજાએ મંદિરમાં ફૂલહાર પહેરાવી લગ્ન કરી લીધા અને લગ્ન પેટે સિરાજ ફકીરને 1.50 લાખ રૂપિયા પણ આપ્યા. લગ્ન બાદ બંને જૂનાગઢ આવ્યા, પરંતુ બીજા જ દિવસે યુવતી તેમના માતાની તબિયત ઠીક ન હોવાનું જણાવી ઔરંગાબાદ જતી રહી, અને પરત ન ફરી.
વિજયે યુવતી પૂજાની ભાળ મેળવવા દલાલ સિરાજનો સંપર્ક કરતા તેમણે વિવિધ બહાના બતાવ્યા. પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં પીડિત વિજયે કુલ 5 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી. જેના આધારે બી ડિવિઝન પોલીસે દલાલ સિરાજ ફકીરની ધરપકડ કરી અન્ય આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.