ઘટના@વાંકાનેર: યુવતીના ભાઈએ બહેનના પ્રેમીનું અપહરણ કરી લઇ જઇ તેને ઢોરમાર માર્યો

ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
 
ઘટના@વાંકાનેર: યુવતીના ભાઈએ બહેનના પ્રેમીનું  અપહરણ કરી લઇ જઇ તેને ઢોરમાર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર મારા મારીની ઘટનાઓ સામે આવતીજ હોય છે.  કોઈને કોઈ કારણોસર મારા મારીની ઘટનાઓ જોવા મળતીજ હોય છે. 

વાંકાનેર બાઉન્ડ્રી નજીક યુવતીના ભાઈએ ૩ શખ્સો સાથે બહેનના પ્રેમી યુવકનું અપહરણ કરી બામણબોર જવાના રસ્તે લઇ જઇ તેને ઢોરમાર માર્યો હતો અને તેની પાસે રહેલા મોબાઈલને લૂંટી લીધો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલા જાનીવડલા ગામમાં રહેતા સવશીભાઇ કાનાભાઇ ઘાંઘળે તેના જ ગામમાં રહેતા આરોપીઓ નારણભાઇ બેચરભાઇ, નાનુભાઇ કમાભાઇ, નાજાભાઇ માત્રાભાઇ અને વિપુલભાઇ ખીમાભાઇ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સવશીભાઇ રાજકોટના મહેશભાઇ બોઘરાની ટાટા ડમ્પર (આયવા) GJ-03-BV-4851 ચલાવી ડ્રાઈવિંગ કામ કરે છે.

ગત તા. ૦૪ના રોજ સવશીભાઇ સવારમાં સાડાનવ વાગ્યે ચોટીલાથી ડમ્પરના વ્હીલની સર્વીસ કરાવવા માટે રાજકોટ ખાતે જવા નીકળ્યા હતા. તેઓ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકે પહોંચ્યા ત્યારે ટ્રાફિક જામ હતો. એ વખતે આરોપીઓ નારણભાઇ બેચરભાઇ તથા નાનુભાઇ કમાભાઇ બંન્ને સામેથી આવ્યા હતા અને સવશીભાઇના ડમ્પરની અંદર બેસી ગયા હતા.

સવશીભાઇને નારણભાઈની બહેન સાથે પ્રેમસંબંધ હોય જેનો ખાર રાખીને નારણભાઇ અને નાનુભાઇ ડમ્પરની કેબિનમાં ઘૂસી ગયા હતા અને સવશીભાઇને માર મારી તેમને કેબીન માં સાઇડ માં બેસાડીને બંને આરોપીઓએ ડમ્પર હસ્તગત કરી સવશીભાઇનું અપહરણ કરી લીધું હતું. આરોપી નાનુભાઇએ ડમ્પર ચલાવી એરપોર્ટ પોલીસ ચોકી થી આગળ બામણબોર જવાના રસ્તે લઇ ગયા હતા. ત્યાં સવશીભાઇને ડમ્પરમાંથી નીચે ઉતારી સાઇડમાં ખરાબા માં લઇ ગયા હતા.

જ્યાં એક સફેદ રંગની ગાડી નં.૧૧૧ માંથી અન્ય બે આરોપીઓ હાથમાં ધોકા લઇને ઉતાર્યા હતા. આરોપી નારણભાઇ તથા નાનુભાઇ બંન્ને એ સવશીભાઇને પકડી રાખ્યા હતા અને આરોપી નાજાભાઇ માત્રાભાઇ તથા વિપુલભાઇએ સવશીભાઇ પર ધોકા વરસાવ્યા હતા અને તેમના બંન્ને પગે નળામાં, સાથળના ભાગે, વાંસામાં તથા હાથના ભાગે ધોકાથી મુંઢમાર માર્યો હતો અને આરોપી નારણભાઇએ સવશીભાઇ પાસે રહેલો વીવોનો એન્ડ્રોઇડ મોબાઇલ કીંમત રૂપિયા ૨૦,૦૦૦ ઝૂંટવી લીધો હતો અને ચારેય આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા.જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.