ઘટના@અમરેલી: ઘઉંની ગુણીઓ પડતા 5 મજૂરો દબાયા, 1નું મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલા એક ગોડાઉનમાં ઘઉંની ગુણો ઉતારતી સમયે અકસ્માતે ગુણીઓ પડતા 5 મજૂરો દબાયા હતા. જેમાં 1 મજૂરનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય 4ને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલા વેપારીના એક ગોડાઉનમાં આજે મજૂરો ઘઉંની ગુણીઓ ઉતારી રહ્યા હતા. અકસ્માતે ગુણીઓ મજૂરોની માથે ધસી પડતા 5 મજૂરો દબાયા હતા જેમાં 1નું મોત નિપજ્યું છે. જ્યારે 4 મજૂરો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નવા માર્કેટીંગ યાર્ડમાં બનેલી આ ઘટનાના પગલે વેપારીઓ અને અન્ય મજૂરોમાં દોડધામ મચી હતી.
અમરેલી નવા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી તુષાર હાપાણીનો સંપર્ક કરતા કહ્યું હતું કે, યાર્ડમાં આવેલ વેપારીના ગોડાઉનમાં ઘઉંની મોટી થપ્પી કરેલી હતી. જે ઉતારતા સમયે બનાવ બન્યો છે.
નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલા વેપારીના ગોડાઉનમાં બનેલી આ ઘટનામાં નવા ખીજજડીયા ગામના વિપુલ દિનેશભાઈ કનક નામના 30 વર્ષીય મજૂરનું મોત નીપજ્યું છે. જ્યારે જયંતીભાઈ જીવરાજભાઈ ભેસાણીયા, વિપુલ ગોહિલ, ધનસુખભાઈ દેવજીભાઈ ભેસાણીયા અને નટુભાઈ ભાલુ નામના 4 મજૂરો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.