ઘટના@અમદાવાદ: આખલાએ શિંગડાં મારી મારીને યુવકનો જીવ લીધો, જાણો સમગ્ર ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ધોળકા GIDC વિસ્તારમાં આખલાનો આંતક સામે આવ્યો છે. અહિં રાત્રે આખલાએ શિંગડા મારી મારીને એક યુવકનો જીવ લીધો હતો. આખલાએ યુવક પર હુમલો કર્યો ત્યારે આજુબાજુમાં લોકો એકઠા થયા હતા પણ યુવકને છોડાવવાની કોઈની હિંમત ચાલી ન હતી. આ દરમિયાન એક ટ્રેક્ટર ચાલકે આખલાને ભગાડ્યો હતો પણ ત્યા સુધી મોડું થઈ ગયું હતું.
ઉત્તરપ્રદેશનો અને હાલ ધોળકા રહેતો 50 વર્ષીય યુવક રાજીવ રત્ન રામખીલાવન નોકરીથી છુટી ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં આખલાએ યુવક પર હુમલો કરી દીધો હતો. યુવકને શિંગડે ભરાવી હવામાં ફૂટબોલની જેમ ઉછાળ્યો હતો. યુવકના માથાના ભાગે, છાતીના ભાગે તેમજ ગુપ્ત ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી લોહિલુહાણ થયેલા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. મૃતદેહને આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમજ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાયો છે.
રખડતા ઢોરના ત્રાસથી GIDC વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી તેજ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે.

