ઘટના@જૂનાગઢ: દીપડાના હુમલામાં 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફરી એકવાર દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લામાં સિંહ બાદ હવે દીપડાના આતંકથી ફફડાટ ફેલાયો છે. મેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત થયું હતું. થોભણભાઈ કોરાટની વાડીમાં ભાગીયા તરીકે રહી ખેતીકામ કરતા પરિવારની પાંચ વર્ષની બાળકી પ્રિશા 23 સપ્ટેમ્બરે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ ફળિયામાં રમી રહી હતી ત્યારે અચાનક દીપડો ત્રાટક્યો હતો અને તેને ઉઠાવી ખેતર તરફ લઈ ગયો હતો. જે ઘટના CCTVમાં કેદ થઈ છે.
આ ઘટના બાદ સોયાબીનના ખેતરમાં શોધખોળ કરતા બે કલાકે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે માતા-પિતા સહિત પરિવારના સભ્યના રડી રડીને બેહાલ છે. જ્યારે દીપડો પાંજરે ન પૂરાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારનો પણ પરિવારના સભ્યોએ ઈન્કાર કર્યો છે.
મૃતકના કાકા કેતનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વાડીમાં ઘરની સામે જ મારા ભાઈની છોકરી રમી રહી હતી. ત્યારે દીપડો તેને ઉપાડીને ભાગી ગયો હતો. ત્યારબાદ ગામના લોકો ભેગા થઈને શોધખોળ કરતા આશરે બે કલાકે દીકરીની લાશ મળી આવી હતી. વધુમાં કેતનભાઈએ જણાવ્યું કે, અમારે ન્યાય જોઈએ છે. પહેલા દીપડાને પકડવામાં આવે તથા તેને પકડ્યા પછી જ બાળકીની લાશ સ્વીકારવામાં આવશે. સરકાર દ્વારા 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી અમારી માંગ છે.
ડેડકિયાળ રેન્જમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા એચ.ડી.ગળચરે જણાવ્યું હતું કે, ડેડકિયાળમાં બાળકીને દીપડા ઘસડી ગયો હોવાની માહિતી મળી હતી. જે બાદ સ્થાનિક લોકો સાથે સંકલન કરી દેવળિયા રેન્જને જાણ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આજુબાજુની ચારેય રેન્જનો સ્ટાફ તાત્કાલિક બોલાવી લેવાયો હતો અને દીપડાને પકડવા હાલ 10 પાંજરા ગોઠવી 30થી 35 વન વિભાગનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે.
સ્થાનિક લોકો અને ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, વન વિભાગ ઘોર નિંદ્રામાં સૂતું હતું અને ઘટનાની જાણ કરવા છતાં બે કલાક બાદ વન વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. બાળકીના મોતને પગલે ગ્રામજનો અને પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો વન વિભાગ મોડું પહોંચ્યું હોવાના આક્ષેપો ફગાવતા એચ.ડી.ગળચરે જણાવ્યું હતું કે, સ્ટાફ અગાઉથી જ હાજર રહી શોધખોળ કરી રહ્યો હતો અને સરકારી નિયમ મુજબ વળતર તેમજ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે પરિવારજનો સહકાર આપે.

