ઘટના@જૂનાગઢ: વિસાવદરમાં સિંહણનો આતંક! ખેડૂતને ફાડી ખાધો

સિંહણને પકડવા પાંજરા ગોઠવાયા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રબારીકા ગામમાં સિંહણના જીવલેણ હુમલામાં 55 વર્ષીય ખેડૂતનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક અને ભયનો માહોલ છવાયો છે.

મૃતક વેલજીભાઈ નાગજીભાઈ દાફડા પોતાના ખેતરમાં પાણી વાળતા હતા. તે દરમિયાન નજીકની ઝાડીઓમાંથી અચાનક ધસી આવેલી સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. સિંહણ તેમને ખેતરમાં લગભગ 100 મીટર દૂર સુધી ઢસડી ગઈ હતી. હુમલામાં તેમને બચવાની કોઈ તક મળી ન હતી અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

વેલજીભાઈ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવાર અને ગ્રામજનોએ ખેતરમાં શોધખોળ કરતા તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિસાવદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હુમલો કરનારી સિંહણને પકડવા માટે વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને સિંહણની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ ઘટના બાદ રબારીકા સહિત આસપાસના ગામોમાં ખેડૂતો અને ખેતમજૂરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે સિંહણને ઝડપથી પકડીને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.