ઘટના@નવસારી: આંગણામાં રમી રહેલા અઢી વર્ષના બાળકને દીપડો જંગલમાં ખેંચી ગયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવસારીના વાંસદા તાલુકાના ભીનાર ગામે આંગણામાં રમી રહેલા અઢી વર્ષના બાળકને દીપડો જંગલમાં ખેંચી ગયો હતો. વન વિભાગ અને ગ્રામજનો દ્વારા હાથ ધરાયેલી વ્યાપક શોધખોળ બાદ વહેલી સવારે ઘરથી 200 મીટર દૂર બાળકનો ક્ષત-વિક્ષત હાલતમાં જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમજ સ્થાનિક રહીશોમાં ભય જોવા મળી રહ્યો છે.
ભીનાર ગામે રહેતા અરૂણ પટેલના અઢી વર્ષનો પુત્ર આરવ ઘરના આંગણામાં રમતો હતો. તે જ સમયે જંગલ વિસ્તાર નજીકથી આવેલો એક ખૂંખાર દીપડાની નજર માસૂમ બાળક પર પડી હતી. દીપડાએ તેને શિકાર સમજીને અચાનક હુમલો કર્યો હતો. તેમજ પળભરમાં બાળકને ઉઠાવી અંધારામાં જંગલ તરફ ભાગી છૂટ્યો હતો. બાળક અચાનક ગુમ થઈ જતા પરિવારજનોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી, જોકે, બાળકને દીપડો લઈ ગયો હોવાની જાણ થતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ ઘટનાને પગલે વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ગામના યુવાનો અને વનકર્મીઓએ હાથમાં મશાલ, ટોર્ચ અને લાકડા લઈને ભીનારના ગાઢ જંગલ વિસ્તારમાં બાળકની સઘન શોધખોળ આરંભી હતી. અંધારી રાતમાં જીવના જોખમે જંગલ ખૂંદવામાં આવ્યું હતું.
કલાકોની ભારે જહેમત બાદ આરવ પટેલનો મૃતદેહ તેના ઘરથી નજીક મળી આવ્યો હતો. માસૂમનું મોત થતા પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વન વિભાગે તાત્કાલિક જંગલ વિસ્તારમાં દીપડાને ઝડપી પાડવા માટે 10 થી વધુ પાંજરાઓ ગોઠવી દીધા છે.
ભીનાર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં દીપડાની દહેશત વધી ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે, અગાઉ પણ આ વિસ્તારમાં દીપડાની અવરજવર અંગે વન વિભાગને રજૂઆતો કરાઈ હતી, પરંતુ વન વિભાગે સમયસર યોગ્ય પગલાં ન લેવાને કારણે આજે એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. હાલ વન વિભાગે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને દીપડો પકડાય નહીં ત્યાં સુધી ગ્રામજનોને રાત્રે ઘરની બહાર ન નીકળવાની સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
ધરમપુર, વલસાડ નોર્થ ફોરેસ્ટ ડિવિઝનના ACF બગીરથસિંહ ઝાલાએ જણાવ્યું કે, તાત્કાલિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને સ્ટાફ પોલીસ વિભાગ સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ગયા હતા. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આગળની ઇન્વેસ્ટ પંચનામાની કાર્યવાહી પ્રોગ્રેસમાં છે. જે એનિમલ છે, તેને પકડવા માટે તાત્કાલિક પાંચ ટીમો બનાવી છે અને રેસ્ક્યૂ હાથ ધર્યું છે.
ભીનાર ગામના સરપંચ જીતેન્દ્રકુમાર રણજીત પટેલે જણાવ્યું કે, મને રાત્રે 8:12 મિનિટે કુંભારફળીયાથી કોલ આવ્યો હતો. જેથી આ ઘટના વિશે જાણ થતાં તરત વન વિભાગ અને પોલીસ સ્ટાફને ફોન કર્યો હતો. હાલ બાળાકના મૃતદેહને વાંસદા કોટેજ હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ કરી છે.

