ઘટના@રાજકોટ: 12મા માળે આગ:73 વર્ષીય વૃદ્ધાનું સોફામાં જ કરુણ મોત

પેરાલિસિસે બહાર નીકળવા ન દીધા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટ શહેરના કોરાટ ચોક નજીક આવેલા કલ્પવન એપાર્ટમેન્ટમાં આજે સવારે કરુણ ઘટના બની હતી. એપાર્ટમેન્ટના 12મા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટનામાં 73 વર્ષીય હંસાબેન નટવરલાલ જાદવાણીનું દાઝી જવાથી મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, ફ્લેટમાં અચાનક ધુમાડાના ગોટેગોટા ફેલાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. કોઠારિયા ફાયર સ્ટેશનની ટીમ માત્ર 8 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બિલ્ડિંગની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

જોકે, આગ કાબૂમાં આવ્યા બાદ ફ્લેટની તપાસ કરતા અંદર સોફા પર હંસાબેન દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા. પેરાલિસિસની બીમારીથી પીડાતા હંસાબેન હલનચલન કરી શકતા ન હોવાથી આગ લાગ્યા બાદ ફ્લેટની બહાર નીકળી શક્યા નહોતા. જેના કારણે તેઓ આગની લપેટમાં આવી ગયા હતા.

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.વૃદ્ધાના કરુણ મોતથી સમગ્ર સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.