ઘટના@રાજકોટ: વ્યાજખોરોના ત્રાસથી પતિ-પત્નીએ આપઘાત કર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે. વ્યાજખોરીના ત્રાસે રાજકોટમાં કારખાનેદાર દંપતીનો જીવ લીધો છે. ગોંડલ હાઈવે પર કલ્પવનમાં રહેતા 40 વર્ષીય રમેશ ચાવડા અને તેમના પત્ની ભારતી ચાવડાએ અટીકા ફાટક પાસે લસણના કારખાનામાં 25 ઓક્ટોબરે રાત્રે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. મૃતકના ભાઈ લક્ષ્મીદાસે કહ્યું કે- ₹ 8 લાખ વ્યાજે લીધા હતા અને તેની સામે રૂપિયા 21 લાખ ત્રણ મહિનામાં ચૂકવી દીધા હતા. છેલ્લા એક સપ્તાહથી તો દરોજના 42 હજાર રુપિયા ચૂકવતા હતા, જો કે આજે 26મી ઓક્ટોબરથી 70 હજાર રુપિયા પ્રતિ દિવસ ચૂકવવાના હતા. જે ના ચૂકવી શકતા જીવન ટૂંકાવ્યું હતું.
મૃતકના પિતરાઈ ભાઈ લક્ષ્મીદાસે વધુમાં કહ્યું કે, આ પગલું ભર્યું છે તે મારા કાકાનો છોકરો છે, મારો ભાઈ થાય છે. વ્યાજખોરોના કારણે તેણે આ કર્યું છે. વ્યાજખોર એક મોરબીનો ભાઈ છે અને એક રાજકોટનો છે. લસણનો ધંધો કરવા માટે વ્યાજે પૈસા લીધા હતા. મારા ભાઈ સાથે જે થયું તે બીજા સાથે ન થાય અને વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરે તેવી સરકાર સમક્ષ અમારી માંગણી છે.
મૃતક દંપતીને સંતાનમાં એક 15 વર્ષનો દીકરો છે. જે માતા-પિતાના મોતથી નોંધારો બન્યો છે. જ્યારે પતિ-પત્નીની એક સાથે અર્થી ઉઠતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.

