ઘટના@સુરતઃ ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય કિશોરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના ભેસાણ ગામમાં રહેતા અને મોરાભાગળ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય કિશોરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. ઘરમાં ભાઈ-બહેન વચ્ચે સામાન્ય મસ્તી અને ઝઘડો થતાં માતાએ બંનેને ઠપકો આપ્યો હતો. જે બાદ માતા પોતાના પાન કાર્ડ અને આધાર કાર્ડનું કામ પતાવીને 15થી 20 મિનિટમાં ઘરે પરત ફરી ત્યારે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. માસૂમ પુત્રના આ અંતિમ પગલાથી સમગ્ર પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં મૃતક કિશોરના સંબંધી રાકેશભાઈએ જણાવ્યું હતું કે, નોર્મલી ઘરમાં બંને ભાઈ-બહેન થોડો ઝઘડો કરતા હતા, એટલે બેને ઠપકો આપ્યો હતો. મારી બેન આધાર કાર્ડ-પાન કાર્ડ સુધારવા આપ્યું હતું તે લેવા ગઈ અને 15-20 મિનિટમાં પાછી આવી ત્યાં છોકરાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. હું બધા મા-બાપને મેસેજ આપવા માંગું છું કે તમારા છોકરાઓને ફોનથી દૂર રાખો અને સાચવો, બસ.

