ઘટના@સુરતઃ ઘરમાંથી માતા-પુત્રીના મૃતદેહ મળ્યા, જાણો સમગ્ર ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરમાંથી હદય કંપાવતી ઘટના સામે આવી છે. સુરતના પૂણા કેનાલ રોડ પરની શિવનગર સોસાયટીના મકાન નંબર 227માંથી માતા અને પુત્રીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યાં હતાં. ઘટનાસ્થળેથી બંને મૃતકોના મોબાઈલ ફોન ગાયબ છે અને ગળામાં સાડી લપેટેલી હતી. મૃતકોની ઓળખ 42 વર્ષીય જાશાબેન અને પુત્રીની મુસ્કાન (ઉં.વ.19) તરીકે થઈ છે.
મૃતક મહિલાના પુત્રએ પરિવાર સાથે છેલ્લા દોઢ વર્ષથી રહેતા ગામના જ હિમાંશુ સિંહ નામના યુવક પર જ હત્યાનો આરોપ લગાવ્યો છે. પૂણા પોલીસે બંને મૃતદેહોને સ્મીમેર હોસ્પિટલ પીએમ અર્થે મોકલી ફરાર યુવકની શોધખોળ હાથ ધરી છે.
સાત સભ્યમાં ઘટના સમયે માત્ર માતા-પુત્રી જ હાજર હતાં
મૃતકના પુત્ર આનંદ શ્રીવાસ્તવે જણાવ્યું કે, અમે મૂળ ઉત્તર પ્રદેશના છીએ અને પરિવારમાં પિતા અવધેશ શ્રીવાસ્તવ, માતા જાશાબેન, બે મોટી બહેનો ભાવના અને મુસ્કાન તથા મારા પછી બે જોડિયા નાના ભાઈઓ આદિત્ય અને અંશ છે. પિતા હીરાની સરણ માંજવાનું કામ કરતા હતા અને હું ડિજિટલ પ્રિન્ટિંગના કામ સાથે જોડાયેલો છું.
2 સપ્ટેમ્બરના છઠ પૂજાનો તહેવાર હોવાથી ખેતરમાંથી કુશ (ઘાસની એક પ્રજાતિ) લઈને આવ્યા બાદ હું રાબેતા મુજબ નોકરી પર ગયો હતો, જ્યાં મને ડબલ શિફ્ટ હોવાનો ફોન આવતાં હું કામ પર રોકાઈ ગયો હતો. પિતા પણ હીરા ઘસવાના કામે ગયા હતા. આ દરમિયાન ધોરણ 7માં અભ્યાસ કરતા બે નાના જોડિયા ભાઈઓ ઘટના સમયે શાળાએ ગયા હતા. આમ, પિતા અને મોટો ભાઈ નોકરી પર તથા બંને નાના ભાઈઓ સ્કૂલે હોવાથી ઘરમાં માત્ર માતા અને બહેન જ હાજર હતા.
બપોરે લગભગ સાડા બારથી એક વાગ્યાના સુમારે માતાનો ફોન આવ્યો હતો કે, હિમાંશુ સિંહ તેમને માર મારી રહ્યો છે. હિમાંશુ અમારા ગામનો જ વતની છે અને છેલ્લા દોઢ વર્ષથી અમારી સાથે જ રહેતો હતો. તે અગાઉ પણ પરિવારને ગામમાંથી ભગાડી મૂકવાની ધમકીઓ આપતો હતો.
'બંનેના મૃતદેહ ઘરમાં અત્યંત ગંભીર હાલતમાં પડ્યા હતા'
માતાનો ફોન આવ્યા બાદ હું તાત્કાલિક બપોરે બે વાગ્યે કામ પરથી નીકળી ગયો હતો. જોકે, સરદાર માર્કેટ પાસે ભારે ટ્રાફિક હોવાથી મને પહોંચવામાં વિલંબ થયો હતો. એ દરમિયાન ફરીથી ફોન આવ્યો કે, માતાનું અવસાન થઈ ગયું છે. હું દોડતો ઘરે પહોંચ્યો ત્યારે શેરીમાં લોકોની ભારે ભીડ જમા થયેલી હતી. ઘરમાં જઈને જોયું તો માતાનો મૃતદેહ પાછળના રૂમમાં નીચે પડેલો હતો અને તેના ગળામાં સાડી બાંધેલી હતી. જ્યારે સાડીનો અડધો કપાયેલો ભાગ પંખા સાથે લટકેલો જોવા મળ્યો હતો.
બીજી તરફ, આગળના રૂમમાં પડેલી બહેનના ગળા પર કોઈએ હાથ વડે જોરથી ગળું દબાવ્યું હોય તેવા કાળા ડાઘ અને સ્પષ્ટ નિશાનો ઉપસી આવ્યા હતા. જે દર્શાવે છે કે બંનેને અત્યંત ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
વધુમાં આનંદે ઉમેર્યું કે, માતાના ગળામાં સાડી લપેટેલી હતી, જેને કાતરથી કાપવામાં આવી હોય તેવું જણાતું હતું. આ સમગ્ર હત્યાકાંડ હિમાંશુ સિંહે જ અંજામ આપ્યો છે. કારણ કે જો કોઈ નિર્દોષ હોય તો આ રીતે ફોન બંધ કરીને ભાગી ન જાય. આરોપી જ્યાં પણ છુપાયો હોય, પોલીસ તેને તાત્કાલિક શોધી કાઢે અને કડકમાં કડક સજા કરે તેવી અમારી માગ છે.
સ્મીમેર હોસ્પિટલમાં પીએમ અર્થે મૃતદેહો ખસેડાયા
પોલીસનું કહેવું છે કે, બન્ને મૃતકના ગુમ થયેલા મોબાઈલ ફોનની કૉલ ડિટેઈલ્સ અને ડેટા મળ્યા બાદ જ આ કેસનો મોટો પર્દાફાશ થશે. હાલમાં પૂણા પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે.

