ઘટના@સુરતઃ પુત્રવધૂ પોતાની વૃદ્ધ સાસુને સ્નાન કરાવવા દરમિયાન માર માર્યો

પાડોશીએ મોબાઇલમાં કરતૂત કેદ કરી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતના સરથાણામાં આવેલા સીમાડા ગામ નજીક સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળની છત પર એક પુત્રવધૂ પોતાની વૃદ્ધ સાસુને સ્નાન કરાવવા દરમિયાન માર મારી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો સામે આવતાં જ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો, જેને પગલે સરથાણા પોલીસે ત્વરિત પગલાં ભરી દંપતીને પોલીસ મથકે બોલાવી પૂછપરછ હાથ ધરી છે. સરથાણા પોલીસ મથકમાં મહિલાએ કહ્યું કે, આવેશમાં આવીને હાથ ઉપડી ગયો હતો. હું માફી માગું છું.

સીમાડા ગામમાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળની બાજુમાં જ એક પ્રાઈવેટ બિલ્ડિંગ આવેલી છે. ગુરુકુળની છત પર એક મહિલા વૃદ્ધાને નવડાવી રહી હતી, તે દરમિયાન મહિલાએ અચાનક વૃદ્ધા પર હાથ ઉપાડી લાફા મારવાનું શરૂ કરી દીધું હતું. બાજુની બિલ્ડિંગમાં રહેતા એક જાગૃત નાગરિકે આ ક્રૂરતા જોતાં તુરંત જ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કરી લીધો હતો.

વીડિયો વાયરલ થતાં જ સરથાણા પોલીસ દોડતી થઈ હતી અને તપાસ માટે ગુરુકુળ પહોંચી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગુરુકુળમાં પ્યુન તરીકે નોકરી કરતો યુવક પરિવાર સાથે છત પર આવેલા રૂમમાં રહે છે. વીડિયોમાં દેખાતી વૃદ્ધા પ્યુનની માતા છે અને તેની સાથે ગેરવર્તન કરી માર મારનાર મહિલા તેની પુત્રવધૂ કિરણબેન છે. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તુરંત જ પુત્ર અને પુત્રવધૂને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા.

સરથાણા પોલીસ મથકે પૂછપરછ દરમિયાન કિરણે કહ્યું હતું કે, છેલ્લાં બે વર્ષથી સાસુની સેવા કરી રહી છું. સાસુની માનસિક સ્થિતિ સારી ન હોવાથી સારા-નરસાનું ભાન રહેતું નથી અને તેઓ કપડામાં જ હાજત કરી દેતા હોય છે.

‘છેલ્લાં ચાર દિવસથી તેઓ સ્નાન કરવાનો સતત ઇનકાર કરી રહ્યા હતા, જેથી તેને બળજબરીપૂર્વક સ્નાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે સાસુ નહાવા દેતા ન હોવાથી હું આવેશમાં આવી ગઈ હતી અને આ પ્રકારનું અશોભનીય વર્તન કરી બેઠી હતી. હું પોતાની ભૂલ સ્વીકારી માફી પણ માંગુ છું.’