ઘટના@સુરત: પુણાની નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી, જાણો સમગ્ર ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના પુણા વિસ્તારમાં આવેલી નિધિ ટેકસ્ટાઈલ માર્કેટમાં અચાનક ભયાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટના ફર્સ્ટ બેઝમેન્ટમાં અચાનક આગ લાગવાની શરૂઆત થઈ હતી. બેઝમેન્ટમાં રહેલા વાયરિંગ અને મોટા પ્રમાણમાં લાકડાના સામાનને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભીષણ હતી કે તેનો કાળો ધુમાડો પાંચમા માળ સુધી પ્રસરી ગયો હતો, જેના કારણે જાણે આખી માર્કેટ સળગી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.
ઘટનાની જાણ થતા પાંચ ફાયર સ્ટેશનની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. ફાયરના જવાનોએ બે કલાકથી વધુ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે. ધુમાડાને ફાયરના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરી અંદર જવાની ફરજ પડી હતી. રવિવાર હોવાથી અહીં કોઈ વેપારીઓ કે કર્મચારીઓ હાજર નહોંતા. આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.
ઘટનાની જાણ થતા જ સૌ પ્રથમ પાંચ ફાયર સ્ટેશનની 10 ગાડીઓ રવાના કરવામાં આવી હતી. જોકે, પરિસ્થિતિની ગંભીરતા અને ધુમાડાના ગોટેગોટાને જોતા ચીફ ફાયર ઓફિસર દ્વારા તાત્કાલિક 'બ્રિગેડ કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 20થી 25 ફાયર ટેન્ડરો દોડી આવ્યા હતા. ધુમાડો એટલો પ્રચંડ હતો કે ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો.
ફાયરના જવાનોની અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આગ બેઝમેન્ટમાં આવેલા ઇલેક્ટ્રિક વાયરિંગમાં લાગી હતી, જે ત્યારબાદ મીટર પેટી સુધી પહોંચી હતી. વાયરિંગની સાથે ત્યાં પડેલો વુડન સામાન આગની લપેટમાં આવતા ધુમાડો વધુ ફેલાયો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

