ઘટના@સુરત: દિવાળીના પાવન દિવસે કરંટ લાગતા 13 વર્ષના કિશોરનું કરુણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે દિવાળીનો પાવન દિવસે છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં શોકજનક બનાવ સામે આવ્યો છે. કરંટ લાગવાથી 13 વર્ષના કિશોરનું કરુણ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. માતાના હૈયાફાટ રૂદનના કારણે સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા.
મળતી માહિતી મુજબ, આ ઘટના ડિંડોલી વિસ્તારની શિવનગર સોસાયટીમાં પ્લોટ નંબર 39 પર આવેલા "શ્રીરામ ચાય અને પાન કોલ્ડ્રિંક સેન્ટર" ખાતે બની હતી. મૃતક બાળકનું નામ આંશિક પાલ હોવાનું જાણવા મળ્યું છે. આંશિક સેન્ટર પર સફાઈનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન, તેણે કોલ્ડ્રિંક સેન્ટરનું ફ્રિજ ખોલ્યું, કે તરત જ તેને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાની સાથે જ આંશિક ઘટનાસ્થળે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા પરિવારજનો અને વિસ્તારના લોકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. દુકાનની બહાર જ દીકરાના મૃતદેહ પાસે માતાના હૈયાફાટ રુદનના પગલે હાજર સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા.
એક કિશોરના અકાળે થયેલા આ મોતના બનાવથી લોકોમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસે સ્થળ પર પહોંચી હતી અને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ફ્રિજમાં કરંટ કયા કારણોસર આવ્યો અને અન્ય કોઈ બેદરકારી છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.