બનાવ@સાબરકાંઠા: કામ કરતા એક મજૂર પર વીજળી પડતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું

અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
 
વીજળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વીજળી પડવાથી મોતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સલાટપુર પાસે આવેલા લેભોર તળાવ નજીક પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની નવીન પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં અન્ય મજૂર સાથે દાહોદ જિલ્લાના ભાટીયા ગામના જોરસંગભાઈ ભુરાભાઈ સંગોડ પણ કામ કરી રહ્યા હતા. તે

દરમિયાન અચાનક બપોરના સમયે ધોધમાર વરસાદ સાથે વીજળી થવાના કારણે અચાનક વીજળી પડતાં જોરસંગભાઇ સંગોડ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના વારસોએ તલોદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વીજળીના કડાકા સાથે વિજયનગર અને વડાલીમાં વરસાદ વરસ્યો હતો. હિંમતનગરના રાયગઢ પંથકમાં ગુરુવારે સાંજે વરસાદ વરસ્યો હતો. હિંમતનગરમાં મોડી સાંજે ઝરમર વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં આઠમાંથી બે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન વિજયનગર 14 મિમી અને વડાલી 06 મિમી વરસાદ નોંધાયો હતો.