ઘટના@સુરત: સ્પીચ આપતા આપતા યુવતી અચાનક ઢળી પડી અને મોત નીપજ્યું, હાર્ટ એટેકની શક્યતા

આ તમામ કેસમાં સેમ્પલ લેવામાં આવ્યા છે અને હાર્ટ એટેકની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
 
ઘટના@સુરત: સ્પીચ આપતા આપતા યુવતી અચાનક  ઢળી પડી અને મોત નીપજ્યું, હાર્ટ એટેકની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારુકાવાળા કોલેજમાં મંચ પર સ્પીચ આપતી વખતે ચાલુ સ્પીચે અચાનક બેભાન થયા બાદ અમદાવાદની યુવતીનું મોત નીપજ્યું હતું. જેને પગલે પરિવારમાં શોક છવાઈ ગયું છે.

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદના રાયપુર ખાતે આવેલી અકાશેઠની પોળ ખાતે રહેતી 24 વર્ષીય જીલબેન સુરેશભાઈ ઠક્કર કાપોદ્રા ખાતે આવેલા ધારુકાવાળા કોલેજના ઓડિટોરિયમમાં મંચ ઉપર સ્પીચ આપતી હતી. દરમિયાન ચાલુ સ્પીચે અચાનક પડી ગઈ અને બેભાન થઇ ગઈ હતી. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખાસેડવામાં આવી, જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કરી હતી.

આ ઘટનાની તપાસ કરી રહેલા કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે, જીલબેન IT કંપનીમાં કામ કરતી હતી અને આ કંપનીનું કેમ્પ ચાલી રહ્યું હતું. જેથી જીલબેન અમદાવાદથી સુરત આવી હતી. ધારુકાવાળા કોલેજમાં સેમિનારમાં સ્પીચ આપતી હતી ત્યારે ચાલુ સ્પીચે જ તે અચાનક બેભાન થઈ ગઈ હતી. તેના મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું છે અને મોતનું સાચું કારણ જાણવા સેમ્પલો લેવામાં આવ્યા છે. હાલમાં હાર્ટ અટેકની શક્યતા લાગી રહી છે. મૃતકનો એક મોટો ભાઈ છે.

સુરત સહિત ગુજરાતમાં અચાનક બેભાન થયા બાદ મોતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સુરતમાં રોજબરોજ એકથી બે વ્યક્તિઓ આ રીતે બેભાન થયા બાદ મોતની ભેટી રહ્યા છે. આ તમામ કેસમાં સેમ્પલ લેવામાં આવ્યા છે અને હાર્ટ એટેકની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.