ઘટના@અમદાવાદ: એક આધેડનું આઈસરની ટક્કર વાગતા મોત નિપજ્યું, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરમાં તમે વાહન લઇને અથવા તો પગપાળા નીકળો ત્યારે તમારી સલામતીની કોઇ જ ખાતરી નથી. માર્ગ અકસ્માતના જુદા જુદા બનાવોમાં ત્રણ વ્યક્તિના મોતની શાહી સુકાઇ નથી ત્યારે જ અનિલ સ્ટાર્ચ મિલ પાસે આઇસર ટ્રકની અડફેટે ચડેલા એક આધેડનું ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું.
ત્યારે જ વધુ એક આધેડ તેનો ભોગ બન્યા છે. નિકોલના શિવશક્તિનગરમાં રહેતા 55 વર્ષીય હિરાભાઈ પટણી કડિયા કામની છૂટક મજૂરી કામ કરતા હતા. સોમવારે રાત્રીના દશ વાગ્યાની આસપાસ હિરાભાઈ ચાલતા ચાલતા અનિલ સ્ટાર્ચ મિલ પાસેના રાધારમણ કો.ઓ.હા.સો.લી.ના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા એક આઈસર ટ્રકના ચાલકે હિરાભાઈને ટક્કર મારી હતી. જેથી હિરાભાઈ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાઈ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ આઈસર ચાલક આઈસર ત્યાં મૂકીને જ ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને હિરાભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ હિરાભાઈનું મોત નિપજ્યું હતું. આ મામલે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.