બનાવ@ભાવનગરઃ સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ, 8 લોકો દાઝ્યા, જાણો સમગ્ર બનાવ વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગરના કુંભારવાડા મિલિયાલી વિસ્તારમાં સાંજે ભયાનક ઘટના બની હતી. ભંગારનો વ્યવસાય કરતા એક પરિવાર ભંગારમાં આવેલી અત્તરની સ્પ્રેની બોટલો ફોડી રહ્યો હતો. બોટલોમાંથી લોખંડના બૂચ કાઢવા માટે હથોડી મારતા જ અચાનક ભડકો થયો હતો અને બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આખા વાસમાં લોકોને એવું લાગ્યું કે કોઈએ બોમ્બ નાખ્યો છે. લોકો બાળકોને લઈને જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા.
આ દુર્ઘટનામાં એક જ પરિવારના 3 થી વધુ બાળકો સહિત 8 જેટલા લોકો દાઝી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રત્યક્ષદર્શી કમુબેને કહ્યું - "એ લોકો ભંગારની ફેરી કરે છે. ભંગારમાં અત્તરની બાટલીઓ આવે તે થેલો ભરીને લાવ્યા હતા. તેમાંથી લોખંડના બૂચ કાઢવા હથોડી મારતા હતા ત્યારે જ અચાનક ભડકો થયો અને બધી બાટલીઓમાં આગ લાગી ગઈ.
"ઈજાગ્રસ્ત સાહિલે કહ્યું - "અમે એલ્યુમિનિયમની અત્તરની બાટલીઓ ફોડતા હતા અને તેમાંથી ગેસ કાઢતા હતા, ત્યારે અચાનક ભડકો થયો. આ ભંગાર મારા કાકા લાવ્યા હતા."હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

