બનાવ@દાહોદ: વન્યપ્રાણી દીપડાએ 5 જેટલા બકરાઓનું મરણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ

સમી સાંજ બાદ કામ વગર ઘરની બહાર ન નીકળવું 
 
બનાવ@દાહોદ: વન્યપ્રાણી દિપડાએ 5 જેટલા બકરાઓનું મરણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના ડુંગરા ગામે વન્યપ્રાણી દીપડાએ પાંચ જેટલા બકરાઓનું મરણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે ઘટનાની જાણ સ્થાનિક વન વિભાગના કર્મચારીઓને કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓએ દીપડાને પાંજરે પુરવા માટે વિસ્તારમાં પાંજરૂં ગોઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

સંજેલી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વન્યપ્રાણી દીપડાનો આતંક વધી રહ્યો છે. ત્યારે ગતરોજ વહેલી સવારના 4:00 વાગ્યાના આસપાસ ડુંગરા ગામે રહેતા સોમલીબેન ચોપાળભાઈ ભાભોર ના ઘરની બાજુમાં થાંભલીવાળા ફળિયામાં (મંદિર ફળિયુ) વન્યપ્રાણી દીપડા દ્વારા બાંધી રાખેલા પાંચ જેટલા બકરાઓ પર હુમલો કર્યો હતો અને બકરાનું મારણ કર્યું હતું.

વહેલી સવારે બકરાઓ મૃત હાલતમાં જોવા મળતા સ્થળ પર ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને આ બકરાઓનું મરણ વન્યપ્રાણી દીપડાએ કર્યું હોવાનું જાણવા મળતા આ મામલે ગ્રામજનો દ્વારા સ્થાનિક વન વિભાગના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી.  ઘટનાને પગલે વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને દીપડાને પાંજરે પુરવા માટે વિસ્તારમાં પાંજરૂં ગોઠવવામાં આવ્યું હતું. ત્યારે વહેલી સવારે તેમજ સમી સાંજ બાદ કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે વન વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને અપીલ કરી હતી.