ઘટના@ગાંધીનગર: નાયબ મામલતદારને અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા અને મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં હાર્ટએટેકથી મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી હાર્ટએટેકથી મોતની ઘટના સામે આવતી હોય છે. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે આજે બપોરે આશરે 46 વર્ષીય સર્કલ નાયબ મામલતદાર મનીષ કડિયાનું હાર્ટ એટેકનાં કારણે દુઃખદ અવસાન થયું છે. આ બનાવના પગલે કલેક્ટર મેહુલ દવે સહિતના સાથી કર્મચારીઓની ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. નાની વયે નાયબ મામલતદારનું હાર્ટ એટેકથી અવસાન થતાં તેમના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી મુજબ આજે બપોરના સમયે સર્કલ નાયબ મામલતદાર મનીષ કડિયા નોકરી ઉપર હાજર હતા. એ દરમિયાન ખુરશી પર બેઠા બેઠા તેમને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યા હતા. જેથી તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. ગાંધીનગર સિવિલમાં મનીષ કડિયાને મૃત જાહેર કરાયા.
આશરે અઢી વાગ્યાના અરસામાં તેમને એટેક આવ્યો હતો. જેઓને બચાવવા માટે CPR સહિતની સારવાર શરૂ કરાઈ હતી, પરંતુ નાયબ મામલતદારનો જીવ બચી શક્યો નથી. બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર મેહુલ દવે, ભાજપ આગેવાન કેતન પટેલ સહિત સ્ટાફના સાથી કર્મચારીઓ પણ સિવિલ દોડી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, મનીષ કડિયાનાં પરિવારમાં વૃદ્ધ માતા તેમજ બે સંતાનો જ છે. જેમાં મોટો દીકરો ધોરણ - 12 તેમજ નાની દીકરી ધોરણ - 8 માં અભ્યાસ કરે છે. આશરે બે વર્ષ અગાઉ મનીષ કડિયાનાં પત્નીનું કેન્સરની બીમારીના કારણે અવસાન થયું હતું. ત્યારે અચાનક હાર્ટ એટેકનાં હુમલામાં મનીષ કડિયાએ પણ અનંતની વાટ પકડી લેતા બે બાળકો તેમજ વૃદ્ધ માતા નોધારા થઈ ગયા છે.