બનાવ@ગોમતીપુર: વ્યાજ સહિત મુદ્દલની ચૂકવણી કરી દીધી હોવા છતાંય વધુ વ્યાજની માગણી કરવાથી યુવકનો આપઘાતનો પ્રયાસ

 દેવેન્દ્ર વીસનગરી અને રેણુકા સરવૈયા નામની મહિલાના ત્રાસના કારણે
 
બનાવ@ગોમતીપુર: વ્યાજ સહિત મુદ્દલની ચૂકવણી કરી દીધી હોવા છતાંય વધુ વ્યાજની માગણી કરવાથી યુવકનો આપઘાતનો પ્રયાસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ગોમતીપુરમાં રહેતા મનીષ સોલંકી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ૨૦૧૮માં બીમાર પત્નીની સારવાર માટે ગોમતીપુરમાં જ રહેતી અને વ્યાજે રૂપિયા ધીરતી રેણુકા સરવૈયા નામની મહિલા પાસેથી તેણે રૂ.૫૦,૦૦૦ પાંચ ટકા વ્યાજે લીધા હતા. થોડા સમય બાદ વ્યાજ સહિત તમામ રૂપિયા ચૂકવી દીધા હતા, છતાંય રેણુકાએ ઓગસ્ટ ૨૦૨૨માં ગોમતીપુર ધાબાવાળી ચાલીમાં આવીને મનીષ પાસે રૂ. ૫૦૦૦૦ ની સામે ૩ લાખની માગણી કરી હતી. ઉપરાંત, તે મનીષનું એક્ટિવા લઈને જતી રહી હતી. બાદમાં તેણે ગોમતીપુરના પૂર્વ કોર્પોરેટર દેવેન્દ્ર વીસનગરી સાથે મનીષની ફોન પર વાત કરાવી હતી. તેણે રૂપિયા આપી દેવાની ધમકી આપી હતી. મનીષનું ગોમતીપુરમાં બીજું મકાન આવેલું છે.

જે મેટ્રો પ્રોજેક્ટમાં કપાતમાં જાય છે, તે મકાનનું તાળું તોડીને દેવેન્દ્ર વીસનગરીએ પોતાનું તાળું લગાવી દીધું હતું. મેટ્રો પ્રોજેક્ટના અધિકારી સાથે દેવેન્દ્ર વીસનગરીએ ફોન કરીને વાત કરી હતી કે ગોમતીપુર ધાબાવાળી ચાલીમાં મનીષ સોલંકીના મકાન જે રૂપિયા આવવાના છે, તે મને આપી દેજો. આખરે કંટાળીને ૧૩ સપ્ટેમ્બરે મનીષે એક ચિઠ્ઠીમાં આપવીતી જણાવી હતી જેમાં રેણુકા અને દેવેન્દ્ર વીસનગરી દ્વારા જે ત્રાસ આપવામાં આવતો હતો તેનો ઉલ્લેખ હતો. પોતે મણિનગર બસ સ્ટેન્ડ નજીક જઈને દવા પી લેશે તેવું જણાવ્યું હતું. તેના આધારે મનીષનો મોટો ભાઈ અને તેનો મિત્ર તાત્કાલિક પહોંચી જતા મનીષ બેહોશ હાલતમાં મળી આવ્યો હતો.

દેવેન્દ્ર વીસનગરી અગાઉ જુગાર રમતા ઝડપાયા હતા

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દેવેન્દ્ર વીસનગરી અગાઉ જુગાર રમતાં ઝડપાયા હતા. તેમણે મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓને દમ મારીને કપાતમાં જતા મકાનના રૂપિયા પોતાને આપી દેવા માગણી કરી હતી.

હું સાચો છું, મેં વ્યાજ સહિત તમામ રૂપિયા ચૂકવી દીધા છે. આ લોકોને જ્યારે ખબર પડી કે મારું ગોમતીપુરનું મકાન મેટ્રો રેલમાં કપાતમાં જાય છે. તેના મને રૂપિયા મળવાના છે તેથી આ લોકો વધુ વ્યાજની માગણી કરવા લાગ્યા અને મને હેરાન કરવા લાગ્યા છે. દેવેન્દ્ર વીસનગરી જોડે મારે કોઈ લેવાદેવા નથી તે છતાંય તે મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છે. કંટાળીને મારે આ પગલું ભરવાનો વારો આવી ગયો હતો