ઘટના@ગુજરાત: યુવતીએ વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી

 પોલીસે આગળની તજવીજ હાથ ધરી
 
ઘટના@ગુજરાત: યુવતીએ વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ઘટનાઓ  સામે આવતી હોય છે. વ્યાજખોરોના  ત્રાસના બનાવો  ખુબજ વધી ગયા છે. વ્યાજખોરના ત્રાસના કારણે કેટલાક લોકો મોતને ભેટતા હોય  છે. વિંછીયા તાલુકાના કોટડા ગામના દંપતીએ વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની હાલ જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. જો કે આ આપઘાતના બનાવમાં વિંછીયા પોલીસને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવતા પોલીસે તે સ્યુસાઈડ નોટ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવના બે દિવસ પહેલા મૃતકના મોટાભાઈ પર વ્યાજખોરોએ જીવલેણ હુમલો કરી બન્ને પગ ભાંગી નાખ્યા હતા અને હાલ તે સારવાર અર્થે બોટાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.

વિંછીયા તાલુકાના કોટડા ગામના અશોકભાઈ કરશનભાઈ ગોહિલ(ઉ.વ.43) અને તેમના પત્નીએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી ઘઉંમાં નાખવાની ઝેરી દવા પીઈ લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન પતિનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર હિતેશભાઈ અશોકભાઈ ગોહિહ(ઉ.વ.24) એ વિંછીયા પોલીસમાં કરેલી ફરીયાદમાં જણાવ્યું છે કે મારે એક બહેન છે.

જેનું નામ સજ્જનબેન છે જે બેલડા ગામે સાસરે છે. હું જસદણના ગઢડીયા રોડ ઉપર મેક્સ મેટલ નામની લોખંડની ફેક્ટરી ચલાવી મારૂ તથા મારા પરીવારનું ગુજરાન ચલાવું છું અને મે ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ છે. આજથી આશરે દોઢેક વર્ષ પહેલા હું કનૈયા હોટલ વિંછીયા ખાતે ચા પીવા ગયેલ ત્યારે દેવા ભીમશી ખાંભલા(રહે-ગાંભડી,તા-સાયલા) મને ભેગા થયેલ અને વાતોવાતમાં તે મારા મીત્ર બની ગયેલ અને અમો અવાર નવાર ભેગા થતા હતા. મારે પૈસાની જરૂર હોય જેથી મેં દેવાભાઈને વાત કરેલ કે મારે પૈસાની જરૂર છે. તો તમે મને પૈસાની વ્યવસ્થા કરી આપો.

જેથી આ દેવાભાઈએ મને છ મહીનામાં કટકે-કટકે રૂ.1,23,00,000 (એક કરોડ ત્રેવીસ લાખ) વ્યાજવા આપેલ હતા તથા રણછોડ ઉર્ફે હસો સગરામભાઈ સાંબડ(રહે-મોટી લાખાવડ,તા-વિંછીયા) પાસેથી રૂ.14 લાખ અને ગોરાભાઈ હાડગરડા(રહે-હાથસણી,તા-વિંછીયા) હસ્તક તેના માસીયાઈ ભાઈ ધનજીભાઈ(રહે-બોડી પીપરડી) પાસેથી રૂ.8 લાખ વ્યાજવા અપાવેલ હતા. ત્યારબાદ ગોરાભાઈ હાડગરડા(રહે-હાથસણી) પાસેથી રૂ.7 લાખ તથા તેના ભાઈ માત્રાભાઈ હાડગરડા(રહે-હાથસણી) પાસેથી રૂ.5 લાખ તેમજ સુરાભાઈ વકાતર(રહે-હાથસણી) પાસેથી રૂ.1 લાખ મેં વ્યાજે લીધેલ હતા. જ્યારે ગુણુભાઈ(રહે-અમરાપુર) પાસેથી રૂ.1.30 લાખ હાથ ઉછીના લીધેલ હતા.

એમ કુલ રૂ.1.58 કરોડ વ્યાજે તથા રૂ.1.30 લાખ હાથ ઉછીના લીધેલ હતા. આ બધા વ્યાજે લીધેલ રૂપીયા મેં પરત આપી દીધેલ છે. તેમ છતાં આ બધા મારી પાસે વ્યાજ સહીત પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હોય જેથી કંટાળી જઈ હું છેલ્લા બે મહીનાથી બહાર જતો રહેલ હતો. પરંતુ ગત તા.9 ના બપોરના સમયે મારા પિતા અશોકભાઈનો મને ફોન આવેલ અને મને વાત કરેલ કે તું ક્યાં જતો રહેલ છો. તે દેવાભાઈ ગરાંભડીવાળા, માત્રાભાઈ, ગોરાભાઈ, સુરાભાઈ હાથસણીવાળા, ગોરાભાઈનો માસીયાઈ ભાઈ, હસાભાઈ લાખાવડવાળા તથા ગુણુભાઈ અને કોઈ અજાણ્યા માણસો મને વોટ્સએપમાં ફોન કરી પૈસાની ઉઘરાણી કરેલ અને અવારનવાર મને ભેગા થાય ત્યારે તારા દીકરાને બોલાવી લે જે નહીતર તારા હાથ પગ કાપી નાખીશુ તેમ ધમકી આપે છે. એટલે તું પાછો ઘરે આવતો રે. તેમ મારા પીતાએ મને ફોનમાં વાત કરેલ હતી.

પરંતુ આ દેવાભાઈ ગરાંભડીવાળાએ મને ફોન કરીને કહેલ કે તારા મોટા બાપુજીના જેમ ટાટીયા ભાંગી નાખીયા તેમ તારા ભાઈ રસીકના તથા તારા મમી પપ્પાના પગ ભાંગી નાખીસ તેવી ધમકી આપેલ હોવાથી મને આ બધા માથાભારે ઈસમોથી ડર લાગતો હોય. જેથી હું ઘરે આવેલ નહી અને ગત.10 ના સાંજના સાતેક વાગ્યે મારા મોટા બાપુજીના દિકરા રસીકભાઈનો મને ફોન આવેલ અને મને વાત કરેલ કે તારા માતા-પિતાએ ઝેરી દવા પીધેલ છે અને જસદણની ખાગની હોસ્પિટલમાં સારવારમાં લઈ ગયેલ છે. એટલે તું ઘરે પાછો આવતો રે. તેમ વાત કરેલ હતી અને રાત્રીના બારેક વાગ્યે અમારા ગામના અનીલભાઈ જોગરાજીયાનો મને ફોન આવેલ અને મને વાત કરેલ કે તારા પિતા ઝેરી દવા પી જવાથી ગુજરી ગયેલ છે. તેમ વાત કરતા હું લુણાવાડાથી મારા ગામ કોટડા સવારે આવી ગયેલ અને કોટડા આવ્યા પછી મારા કાકા વિશાલભાઈ તથા કુટુંબી મામા રામજીભાઈએ મને કહેલ કે તારા પિતાના પેન્ટાના ખીસ્સામાંથી એક ચીઠ્ઠી મળી આવેલ છે. જે વિંછીયા પોલીસને મળી આવેલ છે.

આ બનાવનું કારણ એ છે કે દેવા ભીમશી ખાંભલા, માત્રા હાડગરડા, ગોરા હાડગરડા, ગોરાના માસીયાઈ ભાઈ ધનજી, સુરા વકાતર, ગુણુભાઈ, રણછોડ ઉર્ફે હસો સગરામ સાંબડ પાસેથી મેં વ્યાજવા રૂપીયા લીધેલ હતા અને આ બધા મારી પાસે પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હોય જેથી કંટાળી જઈ હું બહાર જતો રહેલ હતો. જેથી આ બધાયે મારા ઘરે અવારનવાર આવી તથા મારા પિતાને વોટ્સએપમાં ફોન કરી મારા પિતા પાસેથી પૈસાની પઠાણી ઉઘરાણી કરી મારા પિતાને ટાટીયા કાપી નાખવાની ધમકી આપતા હોય તથા માનસીક ત્રાસથી આપઘાત કરવા માટે મજબુર કરેલ હોય. જેનો ત્રાસ સહન ન થતા મારા માતા-પિતા કોટડા ગામની સીમમાં અંબાજી મંદિર પાસે કંધેવાળીયાના રસ્તે અમારી વાડીયે ઝેરી દવા પી જતા મારા પિતા સારવાર દરમિયાન મરણ ગયેલ છે. જેથી આ બધા શખ્સો સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે. વિંછીયા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે સાત શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ વિંછીયા પોલીસ ચલાવી રહી છે.

મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી હતી. જેમાં લખ્યું છે કે જય માતાજી વિશેષ જણાવવાનું કે મારે દવા પીવાનું કારણ મારા દિકરાએ પૈસા લીધા છે દેવાભાઈ ગરાભડીવાળા પાસેથી માત્રા હાથણી વાળા 56,000 ગોરા હાથણી પાસેથી 5,00,000, 14 લાખ તેના માસીયાઈ ભાઈ પાસેથી સુરો વકાતર પાસે 7000, કનૈયા હોટલ ગુણુભાઈ 1,30,000 હસાભાઈ ભરવાડ-સરપચ લખાવડ વાળા 1,40,000 બાકીના નામ નથી આવડતા. બધાયને સજા થવી જોઈએ(પીએસઆઈ સાબ) આ બધાયે પૈસા માગે છે એટલે અમે અંતીમ પગલુ ભરવી છી (અશોકભાઇ ગોહિલ) ફોનનો પાસ- 1076 છે એવુ લખેલ હતુ. જે ચીઠ્ઠીના આધારે વિંછીયા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.