ઘટના@જામનગર: વીજશોક લાગતા કારખાનેદારનું મોત નીપજ્યું, પરિવારજનોમાં ભારે શોક
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. અચાનક વીજશોક લાગતા કારખાનેદારનું મોત નીપજ્યું. જામનગર નજીકના દરેડમાં કારખાનુ ધરાવતા કારખાનેદારને ઈલેકટ્રીક બોર્ડમાં હાથ અડી જતા લાગેલા વીજશોકમાં તેમનું મૃત્યુ થતા પરિવારજનોમાં ભારે શોક ફેલાઈ ગયો છે.
શહેરમાં પટેલ પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતા અને દરેડ જીઆઇડીસી ફેસ ટુ માં ખોડલ પેકેજીંગ નામનું કારખાનું ધરાવતા મયુરભાઈ જમનભાઈ કોટડીયા નામના 35 વર્ષના વેપારી, કે જેઓ પોતાના કારખાનામાં કામ સંભાળી રહ્યા હતા.
જે દરમિયાન ઈલેક્ટ્રીક બોર્ડમાં સ્ટાર્ટર વગેરેની પાસે ઈલેક્ટ્રીક લાઈનને તેનો હાથ અડી ગયો હતો અને વીજ આંચકો લાગતાં તેઓ બનાવના સ્થળે જ બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા. તાત્કાલિક 108ને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા અને કારખાનેદારને મૃત પામેલા જાહેર કરતા ભારે શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
મયુરભાઈને સંતાનમાં બે પુત્રીઓ છે, જેમાં એક પુત્રી સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યારે બીજી પુત્રી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. જે બંને પિતાનું છત્ર ગુમાવી દેતાં પરિવારજનો ભારે શોક મગ્ન બન્યા છે.