ઘટના@નવસારી: હિંગળાજ માતા મંદિર પાસે વળાંક કાપવા જતી ટ્રક પલટી મારી ગઈ

ભયજનક વળાંક પાસે બમ્પર જરૂરી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ  સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે- દિવસે ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાનો બનાવ સામે આવતો હોય છે. ગણદેવીના ખખવાડા હિંગળાજ માતા મંદિર પાસે વળાંક કાપી ન શકતા ચીકુ ભરેલી ટ્રક પલટી ગઇ હતી. આ ટ્રક પલટી તે અગાઉ પીકઅપ બસ સ્ટેન્ડ અને બાંકડા તેમજ મંદિરના પરિસરમાં 5 લાખથી વધુનું નુકસાન થયું હતું. ગણદેવી-નવસારી મુખ્ય માર્ગ પર ખખવાડ નજીક આવેલ હિંગળાજ માતા મંદિર જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં શુક્રવારે મળસ્કે 1.20 કલાકના અરસામાં અમલસાડથી ચીકુ ભરી એક ટ્રક નવસારી તરફ જઈ રહી હતી.

પૂરપાટ ઝડપે દોડતી ટ્રક (નં આરજે- 21-જીડી-8795) ખખવાડા ગામના મંદિર પાસેનો બ્લાઇન્ડ વળાંક કાપી ન શકતા પલ્ટી ગઇ હતી. તે અગાઉ મંદિર નજીક પીકઅપ બસ સ્ટેન્ડ અને બાંકડાને અડફેટે લીધા હતા અને ઉડાવ્યા હતા અને મંદિર પરિસર તોડી સ્ટીલ ગ્રીલ રેલિંગ, મુખ્ય પ્રવેશદ્વાર અને ગ્રેનાઇટ માર્બલને વ્યાપક નુકસાન પહોચાડ્યું હતું તેમજ ચીકુના બોક્ષ વેરવિખેર થયા હતાં. માર્ગ પર ઉંધી પડેલી ટ્રકને ક્રેઇનની મદદથી હટાવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. સમગ્ર મામલે હિંગળાજ માતા મંદિર સમિતિના પ્રમુખ પરીમલ નાયકે ગણદેવી પોલીસમાં ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.


ખખવાડા ગામે હિંગળાજ માતા મંદિર સામે ભયજનક વળાંક ઉપર અગાઉ બે બમ્પર હતા. જેને કારણે વાહન ચાલકો ધીમા પડતા હતાં અને અકસ્માત નિવારી શકાતો હતો પરંતુ આ માર્ગનાં નવિનીકરણ સમયે બમ્પ પુન: બનાવાયા ન હતા, જેના કારણે બધા જ વાહનો પૂરપાટ ઝડપે દોડે છે અને અકસ્માત નોતરે છે. રાત્રિ દરમિયાન થયેલ અકસ્માત સમયે કોઈ હાજર ન હતું. આજ ઘટના દિવસ દરમિયાન જો ઘટતે તો ચિત્ર વધુ ભયાનક બન્યું હોત. આવા બેલગામ દોડતા વાહનો પર લગામ જરૂરી બની છે.