બનાવ@પંચમહાલ: છોકરીને ભગાડી જવાના મામલે યુવકની માતાને ઢોર માર માર્યો, જાણો વધુ વિગતે

 
યુવકની માતાને ઢોર માર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 પંચમહાલના મોરવાહડફમાં એક મહિલાને તાલિબાની સજા ફટકારાતા ચકચાર મચી ગઈ છે. એક છોકરીને ભગાડી જવાની બાબતની અદાવત રાખીને મહિલાને આ સજા કરવામાં આવી હતી.મહિલાને તાલિબાની સજા આપવાની આ ઘૃણાસ્પદ ઘટનાને લઈને પોલીસ તંત્ર દોડતું થયું હતું. જેમાં ચાર મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ બનાવની વિગત મુજબ મોરવાહડફ ખાતે રહેતી એક મહિલાનો પુત્ર એક છોકરીને ભગાડીને લઈ ગયો હતો. જેની અદાવત રાખીને છોકરીના સંબંધીઓ મહિલાના ઘરે ધસી ગયા હતા. જેમાં પાંચ મહિલા અને પુરૂષ મળીને છ જણા આરોપી યુવકની માતાના ઘરમાં ઘૂસી ગયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ તેમણે મહિલાને મારઝૂડ અને ગાળાગાળી કરીને તેના કપડા ફાડી નાંખ્યા હતા. એટલું જ નહી તેમણે મહિલાને રસ્સી વડે બાંધી દીધી હતી અને ઘરની બહાર લઈ જઈને ફેરવી હતી. બાદમાં ઝાડ સાથે બાંધી દીધી હતી. તે સમયે પણ આરોપીઓ મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું.

આ અંગે મોરવાહડફ પોલીસે છ જણા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં ચાર મહિલા અને એક પુરુષ મળીને પાંચ જણાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય એક ફરાર મહિલાની શોધ હાથ ધરી છે.