ઘટના@રાજકોટ: 30 વર્ષીય યુવકે અગમ્યકારણોસર કંટાળી આપઘાત કર્યો

પાંચ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
 
ઘટના@રાજકોટ: 30 વર્ષીય યુવકે અગમ્યકારણોસર કંટાળી આપઘાત કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. રાજકોટમાં આપઘાતના 5 બનાવો બનતા અરેરાટી વ્યાપી ગઈ છે. મૂળ સાયલાના વતની એવા 30 વર્ષીય યુવાને આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લીધો હતો તો શાકભાજીનો વ્યવસાય કરતા અને ઘણાં દિવસથી જીવનથી કંટાળી ગયાનું રટણ કરતા 45 વર્ષીય યુવાને એસિડ પી જતા તેનુ સારવારમાં મોત નીપજ્યું હતુ. જ્યારે કોઠારીયા રોડ પર 20 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. આ ઉપરાંત ગોંડલ રોડ પર રહેતા અને 1 વર્ષ પહેલાં છુટ્ટાછેડા લઇ લેતા 32 વર્ષીય યુવાને પંખાના હુંકમાં ચુંદડી બાંધી આપઘાત કરી લીધો હતો. આ ઉપરાંત શાપરમાં બેરિંગના કારખાનામાં નોકરી કરતા 24 વર્ષીય યુવાને કોઈ કારણોસર જીવન ટૂંકાવી લીધું હતુ.

મૂળ સાયલા તાલુકાના કેરાળા ગામના વતની અને હાલ સદરબજારમાં ઠક્કરબાપા હરિજનવાસ શેરી નં-5માં રહેતા વિનોદ કાનાભાઈ બારૈયા (ઉ.30) નામના યુવાને ગત મોડી રાત્રે પોતાના સસરાના ઘરે ઓરડીમાં લોખંડના એંગલ સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે તેની પુત્રી ઓરડીમાં ઉઠાડવા માટે ગઈ ત્યારે પિતાનો લટકતો મૃતદેહ જોઈ હતપ્રભ બની ગઈ હતી. આ અંગે પરિવારને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતાં.

આ બનાવની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક વિનોદ બે ભાઈમાં નાનો અને તેને સંતાનમાં પાંચ દીકરી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને દારૂ પીવાની કુટેવ હતી અને કામધંધો નહીં મળતાં છેલ્લા 15 દિવસથી પરિવાર સાથે સસરાના ઘરે આવી ગયો હતો પરંતુ, અહિં પણ કામ ધંધો મળતો નહીં હોવાથી આર્થિક ભીંસમાં આવી જઈ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પાંચ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.