બનાવ@રાજકોટ: 4 લોકોના હાર્ટએટેક આવવાથી મોત નીપજ્યા, જાણો વધુ

પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
 
બનાવ@રાજકોટ: 4 લોકોના હાર્ટએટેક આવવાથી મોત નીપજ્યા, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાર્ટએટેકના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને જીવલેણ પણ બની રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં ત્રણ મહિલા સહિત ચાર લોકોના હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં અરેરાટી સાથે ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોય નજીક આવેલ ભીચરી ગામે રહેતાં જીવાભાઈ લઘરાભાઈ લેલા (ઉ.વ.49) ગઈકાલે રાતે પોતાના ઘરે હતાં ત્યારે છાતીમાં દુખાવો ઉપડતાં તેમને છાતીના ભાગે વિક્સ અને આયોડેક્સ લગાવી સુઇ ગયા હતાં.

જે બાદ વ્હેલી સવારે તેઓ બાથરૂમ જવા માટે બાથરૂમમાં ગયા બાદ ત્યાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતાં અને જોરદાર અવાજ આવતાં પરિવારજનો દોડી ગયા હતાં અને તેમને બેભાન હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો.

વધુમાં મૃતક એચ.એન.શુક્લ કોલેજમાં બસ ચલાવતાં હતાં અને ત્રણ ભાઈ-એક બહેનમાં મોટા તેમજ સંતાનમાં બે પુત્ર- એક પુત્રી છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

બીજા બનાવમાં જામનગરમાં સ્વસ્તિક સોસાયટીમાં સત્યસાઈ સ્કૂલ સામે સિદ્ધાર્થ ટેનામેન્ટ બ્લોક નં.2 માં રહેતાં નિરૂબેન બીપીનભાઈ વારીયા (ઉ.વ.63) ના પતિને આંખની સારવાર કરાવવા માટે તેમના રાજકોટમાં સર્વેશ્વર ચોક પાસે શ્રધ્ધા એપાર્ટમેન્ટમાં રહેતાં માવતરના ઘરે આવેલ હતાં. દરમિયાન ગઈ રાતે 3 વાગ્યાની આસપાસ તેઓને શ્વાસ ચડતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં. તેઓને સારવારમાં ખાનગી હોસ્પિટલે ખસેડાતા હતાં ત્યારે રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં એ. ડિવિઝન પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો.

ત્રીજા બનાવમાં બાપાસીતારામ ચોક પાસે જશરાજનગરમાં રહેતા કિરણબેન કિશોરભાઇ અઘેરા (ઉ.વ.49) ગઇકાલે સવારે 6 વાગ્યે પોતાના ઘરે ગરમ પાણી કરી પીધા બાદ અચાનક જ છાતીમાં દુ:ખાવો ઉપડતા બેભાન થઇ ઢળી પડયા હતા. જેમને તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેમનું મોત નિપજયું હતું.

બનાવ અંગે માલવીયાનગર પોલીસને જાણ થતા સ્ટાફ બોલાવ્યો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડયો હતો. વધુમાં મૃતકના પતિ ક્ષૌર ધર્મની કેબીન ધરાવે છે. તેમજ તેમને સંતાનમાં બે પુત્રોમાંથી એક પુત્રનું પાંચ વર્ષ પહેલા સ્વાઇનફલુની બિમારીથી મોત નિપજેલ છે.

ચોથા બનાવમાં કોઠારીયા મેઇન રોડ પર ભવાની ચોક આવાસ કવાર્ટરમાં બ્લોક નં.34માં રહેતા ધીરજબેન પ્રફુલભાઇ વાડોલીયા (ઉ.વ.4પ) આજે સવારે બાથરૂમમાં ગયા બાદ ઉલ્ટી થતા ત્યાં જ બેભાન થઇ ઢળી પડયા હતા. બનાવની જાણ થતા પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી તેમને બહાર કાઢી બેભાન હાલતમાં સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મૃતકના પતિ મિસ્ત્રી કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃતકના પીએમ રિપોર્ટમાં ચારેયના મોત હાર્ટએટેકથી થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.