ઘટના@રાજકોટ: પુત્રએ પિતાને બેફામ માર મારતા માથામાં હેમરેજ થયું ને મોત નીપજ્યું

પિતાને ટિફિન આપવા ગયો હતો ત્યારે તે નશાખોર હાલતમાં હોવાથી તેને ઠપકો આપ્યો હતો.
 
ઘટના@રાજકોટ: પુત્રએ પિતાને બેફામ માર મારતા માથામાં હેમરેજ થયું ને મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પ્રૌઢને તેના પુત્રએ એટલા બેફામ ફટકાર્યા કે પિતાને પાંસળીમાં સાત ફ્રેક્ચર અને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા થઇ હતી. તેનું મોત નીપજ્યું હતું. પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી હતી.

ગુરુજીનગર ક્વાર્ટર્સમાં રહેતા કલ્પેશભાઇ નરેન્દ્રભાઇ વ્યાસને શનિવારે સવારે બેભાન હાલતમાં તેના પુત્ર ઋષભે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ફરજ પરના તબીબે કલ્પેશભાઇને મૃત જાહેર કર્યા હતા.

હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પૂછપરછમાં ઋષભે કહ્યું હતું કે, રાત્રે તેના પિતા સૂતા બાદ સવારે જાગ્યા નહોતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તબીબે પોસ્ટમોર્ટમ શરૂ કર્યું તે સાથે જ તે ચોંકી ગયા હતા. પ્રૌઢનું બીમારીને કારણે નહીં, પરંતુ ગંભીર ઇજાથી મૃત્યુ થયું છે અને ઇજા મારકૂટથી થઇ હતી.

ડોક્ટરે પોલીસ અધિકારીને કહ્યું હતું કે, મૃતક કલ્પેશભાઇને પાંસળીમાં ડાબી બાજું 5 અને જમણી બાજું 2 ફ્રેકચર છે, માથામાં ફ્રેક્ચરથી હેમરેજ થયું હતું અને પગમાં ડાબા સાથળમાં ઇજા, જમણા પગમાં ઘૂંટણથી નીચે ઇજા, પેટમાં ડાબી અને જમણી બાજું ઇજા, છાતીમાં ડાબી બાજું તથા ચહેરા પર બંને ગાલમાં ઇજા જોવા મળી હતી.

તબીબના રિપોર્ટ બાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલે મૃતક કલ્પેશભાઇના પુત્ર ઋષભ અને મૃતકના ભાઇ હિતેષભાઇ સાથે વાતચીત કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. ઋષભે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, શુક્રવારે રાત્રે તે તેના પિતાને ટિફિન આપવા ગયો હતો ત્યારે તે નશાખોર હાલતમાં હોવાથી તેને ઠપકો આપ્યો હતો.

પિતાએ ગાળો ભાંડવાનું શરૂ કરતાં પોતે ઉશ્કેરાયો હતો અને પિતાને છાતીના ભાગે ત્રણેક મુક્કા અને પેટ તથા મોઢાના ભાગે પણ મુક્કા માર્યા હતા, તે વખતે પિતા પડી ગયા હતા અને ઊભા પણ થઇ ગયા હતા.

જોકે સૂતા બાદ તે સવારે જાગ્યા નહોતા. પોલીસે આ મામલામાં ઋષભનો ઇરાદો તેના પિતાની હત્યા કરવાનો નહીં હોવાથી સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો, તેમજ મારથી પિતાનું મૃત્યુ થયું હોવા છતાં તેણે પોલીસ સમક્ષ શરૂઆતમાં ખોટી સ્ટોરી ઊભી કરી હોવાથી આગામી દિવસોમાં તેની સામે ખોટી સ્ટોરી ઊભી કરી પોલીસને ગેરમાર્ગે દોરવાની કલમનો ઉમેરો થશે તેવા નિર્દેશો પોલીસ અધિકારીએ આપ્યા હતા.