બનાવ@સાબરકાંઠા: ધામડી ગામે ઘરમાં ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થયો અને નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર ગેસની દુર્ઘટનાઓ સામે આવતી જ હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ગેસ બ્લાસ્ટની ઘટનાઓ સામે આવતી જ હોય છે. આ ઘટનાઓમાં કેટલાક લોકો મોતને ભેટતા હોય છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે ઘરમાં ગેસ લીકેજ થવાની ઘટના સર્જાઈ હતી. વહેલી સવારે નિવૃત્ત પોલીસ કર્મીએ ઘરમાં વીજળીની સ્વીચ ચાલુ કરતા જ તેમનું ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી. રાત્રી દરમિયાન ઘર બંધ હોવાને લઈ ઘરમાં ગેસનો ભરાવો થયો હતો અને સ્વીચ ઓન કરતા જ સ્પાર્ક થવાથી આગ ફેલાઈ ગઈ હતી. જેને લઈ ઘરમાં રહેલા નિવૃત્ત પોલીસ કર્મી ગંભીર રીતે શરીરે દાઝી ગયા હતા.
દાઝી જવાને લઈ તેઓ ઘરની બહાર એવી જ હાલતમાં બચાવ માટે દોડતા આવ્યા હતા. જે જોઈને સ્થાનિકોએ તેમને બચાવવા માટે મદદ કરી હતી. જોકે ગંભીર રીતે દાઝી ગયેલ હોઈ તાત્કાલીક સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડી ત્યાંથી હિંમતનગર અને બાદમાં અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યુ હોવાના સમાચાર સામે આવ્યા હતા.