બનાવ@સુરત: બાળકે ફેક્ટરીમાં રમતાં-રમતાં પાણીને બદલે ઓઈલ પી લેતા મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. બાળકો પોતાનાં માતા-પિતાની ગેરહાજરીમાં ક્યારેક એવું કરી બેસે છે કે, જેના કારણે તેમનો જીવ ગુમાવવાનો વખત આવે છે. ક્યારેક માતા-પિતાની નિષ્કાળજીના કારણે પણ બાળકો મોતને ભેટતાં હોય છે. આવી જ એક ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાં ફેક્ટરીમાં કામ કરવા જતા પરિવાર સાથે બની છે. વિગત એવી છે કે, 15 દિવસ પહેલાં આ પરિવારના બે પુત્ર રમી રહ્યા હતા. ત્યારે દોઢ વર્ષના પુત્રએ ઓઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે, આજે સારવાર દરમિયાન મોત થતાં માતા-પિતાની આંખોમાંથી આંસુ સરી પડ્યાં હતાં.
ગોડાદરા વિસ્તારમાં રહેતા અનિલ રોય પોતાની કંપનીમાં 15 દિવસ પહેલાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની પત્ની શિવકુમારી ઘરેથી બાળકો સાથે બપોરનું ભોજન લઈને કંપનીમાં પહોંચી હતી. રાબેતા મુજબ જ્યારે પણ કંપનીમાં જતી ત્યારે પતિના કામમાં થોડી મદદરૂપ થતી હતી. ઘટના બની તે દિવસે માતા પોતાના બાળકને લઈને ત્યાં પહોંચી હતી. બે ભાઈઓ એકસાથે ત્યાં રમી રહ્યા હતા. એક બોટલમાં પાણી ભરેલું હતું અને બીજીમાં ઓઈલ ભરેલું હતું. બાળકે રમતાં રમતાં પાણીને બદલે ઓઈલની બોટલ ખોલીને પી લીધું હતું. જેને કારણે તેની તબિયત લથડી હતી. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતો. ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
પિતા અનિલ રોયે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં કંપનીમાં જ્યારે મારી પત્ની આવી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. બાળકે પાણીને બદલે ઓઇલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બે દિવસ બાદ બાળકની તબિયત સારી થઈ ગઈ હતી અને તે રમતો પણ દેખાતો હતો. પરંતુ ત્યારબાદ તેને સતત તાવ રહેતો હતો. ડોક્ટરે તેને દવા આપી હતી ત્યારે માત્ર થોડા સમય માટે તાવ ઊતરી જતો અને ફરીથી ચડતો હતા. ડોક્ટરે અમને જણાવ્યું હતું કે, એનાં ફેફસાંમાં પાણી જતું રહ્યું હોવાથી ન્યૂમોનિયાની અસર થઈ ગઈ છે. તેના કારણે તમારા બાળકનું મોત થઈ ગયું છે.