બનાવ@સુરત: બાળકીને પેન્ટાવેલેન્ટ રસી આપ્યાના 19 કલાક બાદ મૃત્યુ નીપજ્યું

પરિવારમાં શોક છવાય ગયો 
 
બનાવ@સુરત: બાળકીને પેન્ટાવેલેન્ટ રસી આપ્યાના 19 કલાક બાદ મૃત્યુ નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર મોતના કેટલાય બનાવો સામે આવતા હોય છે. સુરતમાં દોઢ માસની બાળકીને પેન્ટાવેલેન્ટ રસી આપ્યાના 19 કલાક બાદ મૃત્યુ નીપજ્યું છે. આંગણવાડી ખાતે બાળકીને રસી આપ્યા બાદ તબિયત ખરાબ થઈ ગઈ હતી. બાળકીને તબિયત લથડતાં માતા-પિતા હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં બીજા દિવસે બાળકીને નાકમાંથી લોહી નીકળતા ફરી બાળકીના માતા-પિતા હોસ્પિટલે લઈ ગયા હતા. ત્યાં હોસ્પિટલના તબીબે બાળકીને ચેક કરીને મૃત જાહેર કરી હતી. લગ્નના પહેલાં જ વર્ષે જન્મેલી બાળકીના દોઢ માસમાં જ મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. બાળકીના પિતાએ કહ્યું કે મારી એકની એક લાડકી દીકરી હતી.


મળતી માહિતી અનુસાર તારીખ 5 જૂનના રોજ પરી મેહુલ બારૈયાને હીપેટાઇટીસ-બી અને એચ-ઇન્ફલુએન્ઝા માટે પેન્ટાવેલેન્ટ રસી આંગણવાડી ખાતે NZ-105 રેહમતનગર ANM દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકી ખૂબ રડતું હોવાથી માતાએ આશા વર્કરને ટેલીફોનિક જાણ કરી હતી. જેથી તે જ દિવસે બપોરે 3 કલાકે આશા વર્કર બાળકને તેના માતા પિતા સાથે લઈ વેડ રોડ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે બતાવવા લઈ ગયા હતા, ત્યાં મેડીકલ ઓફિસર દ્વારા બાળકીને તપાસ કરતા VITALS નોર્મલ જણાયેલા હતા. તેમજ બાળકને વેક્સિન સાઈટ પર પણ કોઈ તકલીફ જણાયેલી ન હતી. જેથી મેડીકલ ઓફિસર દ્વારા બાળકીને વધુ તપાસ અર્થે કતારગામ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાળ રોગ નિષ્ણાંતને બતાવવા લઈ જવા જણાવ્યું હતું, પરંતુ માતા-પિતા બાળકીને ઘરે લઈ ગયા હતા.


વહેલી સવારે નાકમાંથી લોહી નીકળતા પરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં પરીને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાય ગયો હતો. પિતાએ કહ્યું મારી એકની એક લાડકી બાળકીને ઘર નજીક અગણવાડીમાં બુધવારની સવારે 10 વાગે બન્ને પગ અને હાથમાં 3 ઇન્જેક્શનની મદદથી રસી અપાઈ હતી. ઘટનાની જાણ બાદ મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. લગ્નના પહેલા જ વર્ષે જન્મેલી બાળકીના દોઢ માસમાં જ મૃત્યુને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો.


આરોગ્ય અધિકારી કલ્પેશ ખત્રીએ જણાવ્યું હતું કે, દોઢ માસની દીકરીને રસી મુકવવામાં આવી હતી, ત્યારબાદ તેની તબિયત થોડી ખરાબ થઈ હોવાનું માતા-પિતાને જણાવતા તેમણે ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા રસી મુકવાની જગ્યાએ અથવા તો બીજી કોઈપણ તકલીફ દેખાય આવી ન હતી. છતાં પણ તેમને બાળ રોગ નિષ્ણાંત ડોક્ટરને બતાવવા માટેની સલાહ આપવામાં આવી હતી. કતારગામ આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને ડોક્ટરનો સંપર્ક કરવા કહ્યું હતું, પરંતુ તેઓ ત્યાં ગયા ન હતા. સવારે ફીડિંગ કર્યા બાદ દીકરીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. પરી મેહુલ બારૈયા નામની દોઢ માસની દીકરીને જે રસી આપવામાં આવી હતી તે અન્ય 19 જેટલા બાળકોને પણ આપવામાં આવી હતી. તેમને કોઈપણ પ્રકારની તકલીફ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.