ઘટના@અમદાવાદ: કડી નજીકની કેનાલમાંથી ગુમ ટ્રાફિક હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ગુમ થયેલા હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ કડી નજીકની કેનાલમાંથી મળ્યો છે. જો કે હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. મૃતદેહના પીએમ બાદ ખબર પડશે કે હેડ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે કે કોઈએ તેમની હત્યા કરી છે.
અમદાવાદ ટ્રાફિક વિભાગના જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નરેશભાઈ ડાહ્યાભાઈ ગત 25 ડિસેમ્બરે નોકરી પર આવ્યા ન હતા. જેથી તેમના ઘરે તપાસ કરાવી ત્યારે નરેશભાઈ ગુમ થયા હોવાની જાણ થઈ હતી. એટલું જ નહીં પરિવારના સભ્યોએ તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેઓ મળી આવ્યા ન હોવાથી છેલ્લે તેમણે દહેગામના રાયપુરમાં ગુમ થયાની અરજી પણ કરી હતી. પોલીસે હેડ કોન્સ્ટેબલ નરેશભાઈની શોધખોળ પણ કરી હતી, જો કે તે મળી આવ્યા ન હતા. આ દરમિયાન ગુરુવારે સવારના સમયે કડી પાસેની એક કેનાલમાંથી નરેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન નરેશભાઈએ આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. જો કે ખરેખર તેમણે આત્મહત્યા કરી કે પછી કોઈએ હત્યા કરીને મૃતદેહ કેનાલમાં ફેકી દીધો તે જાણવા માટે પોલીસે મૃતદેહને પીએમ માટે આપ્યો છે.