ઘટના@સુરત: પતંગ પકડવાની લ્હાયમાં જૂની દીવાલ નીચે દબાઈ જવાથી કિશોરનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તરાયણના તહેવાર પહેલા જ એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. પતંગ પકડવાની લ્હાયમાં એક 12 વર્ષના કિશોરનું જૂની દીવાલ નીચે દબાઈ જવાથી ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને મૃતક કિશોરના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
મળતી માહિતી મુજબ મૃતક કિશોરનું નામ મોહમ્મદ ફૈઝાન હતું. લિંબાયત વિસ્તારમાં સંગમની બાજુમાં આવેલા એક નાના મેદાન નજીક આ ઘટના બની હતી. મોહમ્મદ ફૈઝાન પતંગ પકડવા માટે ગયો હતો, ત્યારે અચાનક જ એક જૂની અને જર્જરિત દીવાલ તેના પર તૂટી પડી હતી આ આક્ષેપ પરિવાર દ્વારા કરાયો છે.
દીવાલનો મોટો હિસ્સો કિશોરની છાતીના ભાગે પડવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આજુબાજુના લોકોએ તુરંત જ કિશોરને દીવાલના કાટમાળ નીચેથી બહાર કાઢ્યો હતો.આ ઘટનાની જાણ થતાં જ તેના પિતા મોહમ્મદ શમીમને ફોન દ્વારા તાત્કાલિક હોસ્પિટલ આવવા જણાવાયું હતું.
પિતા મોહમ્મદ શમીમ જેઓ માર્કેટમાં કપડાના પેકિંગ વગેરેનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ ઘટનાસ્થળે જવાને બદલે સીધા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.પુત્રના અવસાન વિશે વાત કરતાં પિતા મોહમ્મદ શમીમે જણાવ્યું હતું કે, અમે કામ પર હતા. પછી અમારા પર ફોન આવ્યો. આજુબાજુ જે પડોશી, ઘરમાં બાજુના રૂમમાં રહે છે, એમનો ફોન આવ્યો કે તમારા બાળક પર દીવાલ પડી ગઈ છે, ઈજા થઈ છે. તો તમે ઇમરજન્સીમાં આવી જાઓ. તો અમે ડાયરેક્ટ તે જગ્યાએ ના ગયા, અમે ડાયરેક્ટ હોસ્પિટલ આવ્યા.
હોસ્પિટલ પહોંચ્યા બાદ મોહમ્મદ શમીમ અને તેમના પરિવારે સૌથી મોટો આઘાત સહન કરવો પડ્યો. ફરજ પરના તબીબોએ કિશોરને તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો, કારણ કે છાતીના ભાગે ગંભીર ઈજા થવાથી તેનું ઘટનાસ્થળે જ અથવા હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ થઈ ગયું હતું.

