ઘટના@અમરેલી: માતાની નજર સામે જ એક વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો, જાણો સમગ્ર ઘટના

બાળકીનો શિકાર કર્યો હતો. બાળકીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
 
ઘટના@અમરેલી: માતાની નજર સામે જ એક વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો, જાણો સમગ્ર ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમરેલી જિલ્લામાં દીપડા અને સિંહો દ્વારા માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા ફરી એકવાર અમરેલી જિલ્લાના ધારીગીર પૂર્વ દલખાણિયા રેન્જમાં આવેલા ત્રબકપુર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. માતાની નજર સામે જ એક વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો. એ બાદ બાળકીનો શિકાર કર્યો હતો. બાળકીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ ઘટના ત્રબકપુર ગામમાં ખેડૂત પુરુષોત્તમ મોરીની વાડીમાં બની હતી, જ્યાં પરપ્રાંતીય મજૂર પરિવાર રહે છે. બાળકીની માતા રસોઈ બનાવી રહી હતી, બાળકી તેની બાજુમાં જ બેઠી હતી. આ દરમિયાન અચાનક દીપડો આવી ચડ્યો હતો. રસોઈ બનાવી રહેલી માતા કંઈ સમજે એ પહેલાં જ દીપડો બાળકીને ઉઠાવીને ભાગી ગયો હતો. એ બાદ તેનો શિકાર કર્યો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક આર.એફ.ઓ., એ.સી.એફ. સહિત ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો પણ હાજર રહ્યો હતો. દીપડાને પકડવા માટે સાત પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે. માનવભક્ષી બનેલા દીપડાને પકડવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે.

RFO હર્ષલ વણિકે જણાવ્યું હતું કે, ત્રંબક ગામે એક માતા રોટલી બનાવી રહી હતી ત્યારે અચાનક દિપડો આવી ગયો હતો અને બાળકીને ઉઠાવી ગયો હતો. શોધખોળ દરમિયાન બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. વનવિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં 7 જેટલા પાંજરા મુકવામાં આવ્યાં છે. દીપડાની શોધખોળ ચાલું છે. વનવિભાગ તરફથી અપીલ કરવામાં આવે છે કે પોતાના બાળકનું ખાસ ધ્યાન રાખવું, રાત્રે ખુલ્લામાં ન સુવુ, ટોર્ચ સાથે રાખવી તેમજ સરકારે આપેલા માચડાનો ઉપયોગ કરે. તેમજ જો નોનવેજ ખાતા હોય તો તેનો એઠવાડ ઘરથી દૂર નાખવો જોઈએ જેથી વન્ય પ્રાણીઓ આર્કષિત ન થાય અને આવી ઘટનાઓ ન બને.